કરોડોના ખર્ચે બે નવા અંડર બ્રિજનું થશે નિર્માણ
ખંભાળિયાથી દ્વારકા તરફ જતા માર્ગે સલાયા ફાટક પાસેના રસ્તા પર બે નવા અંડર બ્રિજ બનશે. જેના કામો શરૂ કરવામાં આવ્યા છે. ખંભાળિયાથી સલાયા તથા દ્વારકા જતા રેલવે ફાટક પાસે હાલ ટ્રેનના આવા-ગમન સમયે વાહનોની લાંબી કતારો થતા ભારે હાલાકી જેવી પરિસ્થિતિ જાેવા મળી રહી છે. ત્યારે સંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી આ પરિસ્થિતિના નિવારણ માટે એક તરફ જવા માટે તથા એક તરફથી આવવા માટે એમ બે નવા અંડર બ્રિજ માટે આશરે રૂપિયા દસ કરોડની રકમ મંજૂર કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. આ અંડર બ્રિજ રેલ્વે દ્વારા બનાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનું ખોદકામ પણ શરૂ કરી દેવામાં આવતા આ વિસ્તારમાં વાહન ચાલકો તથા નગરજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે. થોડા સમય પૂર્વે જ કરોડો ખર્ચે રેલવે સ્ટેશનનું કામ શરૂ થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી અહીંના જડેશ્વર ટેકરી પાસે પણ કરોડો રૂપિયાના ખર્ચે અંડર બ્રિજ બનાવવામાં આવ્યો છે. આટલું જ નહીં, આગામી સમયમાં જામનગર ફાટક નજીક પણ આશરે રૂપિયા ૩૮ કરોડના ખર્ચે સરકાર દ્વારા ઓવરબ્રિજ મંજુર કરવામાં આવ્યો છે. જે અંગેની ટેન્ડરિંગ પ્રક્રિયા પણ ચાલી રહી છે. ત્યારે અહીંના સલાયા ફાટક પાસે પણ રેલવે તંત્ર દ્વારા એક જવાનો તથા એક આવવાનો એમ બે નવા અંડર બ્રિજની કાર્યવાહી શરૂ કરવામાં આવતા લોકોમાં ખૂબ આનંદની લાગણી વ્યાપી છે. ખંભાળિયામાં આવતા જતા વાહન ચાલકોને ઘણા વર્ષોથી ટ્રેનના સમયે રેલવેના ફાટકો નડતા હતા. સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી આ સમસ્યા હવે આગામી સમયમાં ભૂતકાળ બની જશે.