દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશાકારક આયુર્વેદિક સીરપના વેચાણ સામે પોલીસની સધન કાર્યવાહી

0

રાજ્યમાં તથા રાજ્ય બહાર ધમધમતી ફેક્ટરી ઉપર દરોડાઓ : અનેક શખ્સોને કાયદાના સકંજામાં લેવાયા


છેલ્લા ઘણા સમયથી ગુજરાત જેવા શરૂઆતથી નશાબંધીની નીતિને વરેલા રાજયમાં અમુક લેભાગુ તત્વો દ્વારા સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુકત આયુર્વેદિક દવાની આડમાં કથિત આયુર્વેદિક દવા (નશીલા પીણાં) કહી શકાય તે પ્રકારની પ્રોડક્ટોનું ઉત્પાદન કરી ફકત અને ફકત ગુજરાત રાજયને ટાર્ગેટ કરી, ખૂલ્લેઆમ નાના મોટા શહેરો ગામડાઓમાં પાન-બીડીના ગલ્લા તેમજ હોટલો ઉપર તેનું વેચાણ કરી, મહતમ આર્થિક લાભ મેળવીને પોતાની ગુનાહિત પ્રવૃતિ આચરી સમાજના લોકોની તંદુરસ્તીને હાની પહોંચે તે પ્રકારનું કૃત્ય આચરી રહેલ હતા. આ બાબતે રાજ્ય સરકાર તરફથી મળેલ સુચનાઓ આધારે રાજકોટ રેન્જ આઈ.જી.ના સીધા માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
જેના પ્રયત્નના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહતમ પ્રમાણમાં આ પ્રકારના કેસો શોધી કાઢી ચાંગોદર તથા પંજાબ ખાતે આ પ્રકારના આયુર્વેદિક દવાનાં નામે ડુપ્લીકેટ આયુર્વેદિક દવા (નશીલા પીણાં)નું ઉત્પાદન કરતા હોવાનું જણાય આવતા આ બંને ફેક્ટરી ઉપર દરોડા પાડી, ફેક્ટરી સીલ કરીને જે-તે આસામીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાવવામાં આવી હતી.
આ જ પ્રકારની ઝુંબેશ અવિરત રીતે કાર્યરત હતી, તે દરમ્યાન સેલવાસ ખાતેની એક કંપની સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુકત આયુર્વેદિક દવાની આડમાં કથિત આયુર્વેદિક દવા (આયુર્વેદિક બિયર) બનાવતા હોવાનું જણાય આવતા આ કંપનીના સંચાલકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરી, તે ફેક્ટરી ઉપર પણ રેડ કરીને કાર્યવાહી કરાઈ હતી. આ કંપનીમાં વાર્ષિક એક કરોડ જેટલી બોટલોનું ઉત્પાદન થઈ રહ્યું હતું. જે તમામ જથ્થો ફક્ત ગુજરાત રાજ્યમાં સપ્લાય કરવામાં આવતો હતો.
આ દરમ્યાન રાજસ્થાન તથા મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલી એક-એક ફેક્ટરી કે જે પણ વાર્ષિક આશરે આઠ લાખ જેટલી આ પ્રકારની બોટલોનું ઉત્પાદન કરી, ફક્ત ગુજરાત રાજ્યમાં નશાના ઈરાદાથી સપ્લાય કરતી હતી, તેની પણ તપાસની કાર્યવાહીના ભાગરૂપે તપાસ કરતા તેઓની પ્રોડક્ટ પણ ખોટી રીતેની પ્રોસેસથી નિયત ધારાધોરણ મુજબ બનતી નહીં હોવાનું જણાય આવતા તેઓએ પોતાની સ્વૈચ્છાએ આ પ્રકારની પ્રોડક્ટો/ફેક્ટરી બંધ કરી દીધી છે.
આયુર્વેદિક દવાની આડમાં અમુક અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારની કથિત આયુર્વેદિક દવા (આયુર્વેદિક નશીલા બિયર) જેવા પીણાંનું મહતમ પ્રમાણમાં ઉત્પાદન કરી, ગુજરાત રાજ્યને ટાર્ગેટ કરી, તેનું ખૂલ્લેઆમ પાન-બીડીના ગલ્લા તથા હોટલો ઉપર વિતરણ કરતા હતા. તેવી રાજ્યમાં તથા રાજ્યની બહાર કુલ પાંચ જેટલી ફેક્ટરીઓની પ્રોડક્ટોના વેચાણ વેપારને અંકુશ હેઠળ લઇને દેવભૂમિ દ્વારકા પોલીસે મહદઅંશે સફળતા મેળવી છે. જેનાથી સમાજ માટે સરાહનીય કામગીરી કરવાની સિધ્ધિ હાંસલ કરી, આ કામગીરી સમગ્ર રાજયમાં મોખરે બની રહી છે.

error: Content is protected !!