શિવરાત્રી મેળાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત : તકેદારીના અનેક પગલા લેવાયા

0

આગામી તા.પ થી ૮ માર્ચ દરમ્યાન યોજાનારા શિવરાત્રી મેળામાં આવનારા ભાવિકોની સલામતી અને સુરક્ષા માટે ગોઠવાશે અભેદ સુરક્ષા ચક્ર : પાંચ ઝોનમાં પોલીસ ટુકડી તૈનાત

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાનાર શિવરાત્રીનો મહામેળો આગામી તા.પ થી ૮ માર્ચ દરમ્યાન યોજવામાં આવશે. ત્યારે આ મેળા અંગે તડામાર તૈયારી હાલ ચાલી રહી છે. શિવરાત્રી મેળામાં આવનારા ભાવિકોની સલામતી અને સુરક્ષા માટે જૂનાગઢ શહેર અને જીલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત અને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહેલ છે. પાંચ ઝોનમાં બંદોબસ્ત મુકાશે અને અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ભાવિકો આ મેળામાં શાંતિપુર્વક આનંદ માણી શકે અને કોઈ જાતના અનિચ્છનીય બનાવો બને નહી તે માટે પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. તકેદારીના પગલાના ભાગરૂપે ગઈકાલે જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિતેશ ધાંધલીયા અને પોલીસની વિવિધ ટીમો દ્વારા ભવનાથ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. આ અંગેની પ્રાપ્ત થતી વિગતો મહા શિવરાત્રીના મેળાને લઈને કાયદો વ્યવસ્થા તેમજ સલામતી અને સુરક્ષા માટે ગઈકાલે સાંજે જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ડીવાયએસપી હિતેષ ધાંધલીયા, ભવનાથ પોલીસ, એસઓજી, એલસીબી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. મેળામાં દર વર્ષની માફક આ વર્ષે પણ બંદોબસ્ત માટે પાંચ ઝોનમાં પોલીસ બંદોબસ્ત મુકવામાં આવનાર છે. જેમાં ભવનાથ ઝોન, શહેરી ઝોન, ગિરનાર ઝોન, રૂપાયતન ઝોન અને દામોદર કુંડ ઝોન વાઈઝ વિવિધ પોલીસ અધિકારીઓને ફરજ સોંપવામાં આવશે. જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ જણાવ્યું કે, શિવરાત્રી મેળામાં આવનારા યાત્રિકોને કોઈ અડચણ ના પડે તે માટે દરેક ટ્રાફિક પોઈન્ટનું નિરીક્ષણ કરીને કેવી રીતે રસ્તાને ડાયવર્ઝન કરવા તેના માટે કેવી રીતે કયાં કયાં સાઈન બોર્ડ મુકવા તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે ખાસ કરીને સલામતી માટે બોંબ ડિસ્પોઝલ ટીમ દ્વારા ભવનાથમાં વિવિધ ધાર્મિક સ્થળોએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે ડોગ સ્કોર્ડ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ અન્ય સ્ટાફ દ્વારા રૂટ ઉપર શંકાસ્પદ વ્યકતિઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે. તેમજ જૂનાગઢ શહેર અને જીલ્લામાં આવેલા વિવિધ હોટેલ, ધાબા, ગેસ્ટ હાઉસ સહિતના સ્થળોએ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચાર દિવસનો મેળો શાંતિમય માહોલમાં યોજાય તે માટે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને કાળા કાચ વાળા વાહનો, નંબર પ્લેટ વગરના વાહનો અંગે ચેકિંગ અને શંકાસ્પદ વ્યકિતઓની હિલચાલ ઉપર પોલીસની બાજ નજર રહેશે. પોલીસે ફુટ પેટ્રોલીંગ કર્યું અને એક ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. પોલીસ દ્વારા વિવિધ ધાર્મિક સ્થળો ઉપરાંત રવેડી રૂટ ઉપર પણ ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. સાથે આસપાસના બંધ મકાનો તેમજ વાડી વિસ્તારમાં પણ પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. તેમજ ભવનાથમાં પ્રવેશતા શહેરના વિવિધ માર્ગો ઉપર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવા માટે ટીમો તૈનાત કરવામાં આવી છે. દરમ્યાન શિવરાત્રી મેળો શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સલામતીના અનેક પગલા પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે. જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત અને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.

બોકસ…

શિવરાત્રી મેળો શરૂ થાય તે પુર્વે ભવનાથમાં પોલીસનું સઘન ચેકિંગ

જૂનાગઢ તા.ર૮

શિવરાત્રી મેળાની પુર્વ તૈયારીના ભાગરૂપે જૂનાગઢ જીલ્લા પોલીસ વડા દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સુરક્ષાના પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

  • ભવનાથ વિસ્તારમાં ગઈકાલે પોલીસે કર્યું ફુટ પેટ્રોલીંગ
  • જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ડીવાયએસપી હિતેશ ધાંધલીયા અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સઘન ચેકિંગ
  • બીડીડીએસ ટીમ, કયુઆરટી ટીમ, ડોગ સ્કવોડ, ગર્વ ટીમ તેમજ એસઓજી દ્વારા થયું ચેકિંગ
  • રવાડી રૂટનું પોલીસ દ્વારા નિરીક્ષણ કરાયું
  • મહાશિવરાત્રી મેળામાં વાહનોની અવર-જવર માટે આગવી વ્યવસ્થા ગોઠવાઈ
error: Content is protected !!