જૂનાગઢના જલારામ રઘુવંશી મહીલા મંડળ દ્વારા હોળી રસિયાનો કાર્યક્રમ યોજાયો

0
  • 400 વર્ષ કરતા જૂની પરંપરા મુજબ વૈષ્ણવો દ્વારા ગવાય છે હોળી રસિયા 

કૃષ્ણ ભગવાનનો વ્હાલો તહેવાર એટલે હોળી અને હોળીના 40 દિવસ પૂર્વેથી જ હોળી રસિયાનું પણ આગવું મહત્વ છે. પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં હોળીના ૪૦ દિવસ પૂર્વેથી જ હોળી રસિયાનું ગાન કરવાનું વૈષ્ણવો શરૂ કરે છે. જૂનાગઢના રેડક્રોસનાં પટાંગણમાં 150 થી પણ વધુ મહીલાઓ દ્વારા વૈષ્ણવોની ઉપસ્થિતિમાં હોળી રસિયા ગાનનો ધાર્મિક, પરંપરાગત કાર્યક્રમની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી.
 જૂનાગઢમાં પણ દર વર્ષે હોળી-ધૂળેટી સુધી સળંગ ૪૦ દિવસ વિવિધ સ્થળોએ મહીલાઓ દ્વારા હોળી રસિયા કાર્યક્રમ અંતર્ગત ફૂલોની હોળી રમવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના ભક્તિમય ભજનો, ગીતો ગવાય છે અને હોળી પર્વને એક જીવંત પર્વની ખાસ અનુભૂતિ કરવા પ્રયત્ન થતા હોય છે.
વૈષ્ણવ સંપ્રદાયમાં હોળી-રસિયાનું આગવું મહત્વ રહેલું છે. એવું પણ કહેવાય છે કે વ્રજભુમિમાં ભગવાન શ્રીકૃષ્ણ ધૂળેટીનો સમગ્ર ઉત્સવ વ્રજવાસીઓ અને ગોપીઓ સાથે ગુલાલ અને કેસુડાનાં ફૂલના રંગ છાંટીને રમ્યા હતા. તેમની યાદમાં સમગ્ર વ્રજભુમિ તથા જ્યાં જ્યાં વૈષ્ણવો છે ત્યાં હોળી રસિયાના ભજનો ગવાય છે અને એકબીજા પર પુષ્પવર્ષા કરીને ભક્તિભાવ સાથે ફૂલથી હોળી રમવામાં આવે છે.
વૈષ્ણવ સંપ્રદાયની જ્યાં જ્યાં હવેલીઓ, મંદિરો, ગુરૂઘર આવેલા છે  ત્યાં ત્યાં ધુળેટીના રસિયા અવશ્ય રમાય છે. તે દિવસે એકબીજાની ઉપર ફુલોની વર્ષા કરીને ધુળેટી ઉત્સવ મનાવાય છે. વૈષ્ણવ સંપ્રદાયની આ પરંપરા અંદાજે છેલ્લા ૪૦૦ વર્ષ જુની હોવાનું પણ મનાય છે. સમગ્ર રાજ્યમાં તેમજ દેશ વિદેશમાં પણ હાલમાં હોળી રસિયાનો કાર્યક્રમ યોજાય છે. જે હાલમાં વિવિધ સ્થળોએ ચાલી રહ્યો છે.
વર્ષો પહેલા ખાસ કેસુડો અને ગુલાલથી જ હોળી પર્વની ઉજવણી કરવામાં આવતી હતી. પરંતુ સમય જતા કેસુડાની અછત અને ગુલાલમાં કેમિકલનું મિશ્રણ થતા હવે માત્ર ફૂલોથી ધૂળેટી રમવામાં આવે છે. આવો  જ એક ભક્તિમય પ્રસંગ જૂનાગઢમાં મંગળવારના રોજ જલારામ રઘુવંશી મહીલા મંડળ દ્વારા યોજવામાં આવ્યો હતો. આ રસિયાનો કાર્યક્રમને સફળ બનાવવા જુનાગઢના જલારામ રઘુવંશી મહિલા મંડળનાં મીનાબહેન પરપડા, પ્રીતિબહેન સાંગાણી, ધ્રુવીબહેન કારીયા, હિનાબહેન ઠકકર, ગીતાબહેન ખખ્ખર,  જયશ્રીબહેન પલાણ, શિલ્પાબહેન સાંગલાણી, હર્ષાબહેન અઢિયા, શીલાબહેન બુધ્ધદેવ, રશમિબહેન સેજપાલ, શીતલબહેન તન્ના, જ્યોત્સનાબહેન રૂપારેલિયા, કવિતાબહેન કારીયા, મીનાબેન દત્તા, શરલાબહેન સોઢા, રક્ષાબહેન દેવાણી, નીરૂબહેન ઠકકર તેમજ ક્રિષ્નાબહેન ગઢીયા તેમજ વૈષ્ણવ સંપ્રદાયની બહેનો દ્વારા કાર્યક્ર્મને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
જ્યારે બહેનોએ ગોપી અને કૃષ્ણબનીને ઠાકોરજી સમક્ષ નૃત્યગાન કરીને ભક્તિમાં તલ્લીન થયા હતા ત્યારે ઉપસ્થિત સૌ કોઇનું મન મોહી લીધું હતું. ખાસ નાની વયના કાન ગોપી પણ ઉપસ્થીત દરેકના આકર્ષણનું કેન્દ્રબિંદુ બન્યા હતા.
error: Content is protected !!