જૂનાગઢ શહેરમાં એક યુવાને સાયબર ફ્રોડનો શિકાર બન્યો હતો અને એક અજાણ્યા શખ્સના આવેલા ફોન પછી તેના બેંક એકાઉન્ટના ક્રેડીટ કાર્ડ મારફત ૯૧,૬૪૮ની રકમનું ટ્રાન્જેકશન થયું હોવાનું સામે આવતા યુવકે પોલીસ હેલ્પલાઈનમાં કોલ કરતા એસઓજીએ તાકીદે તે ટ્રાન્જેકશન અટકાવી યુવકને તેની રકમ પરત અપાવી હતી. જૂનાગઢ શહેરમાં ચોબારી રોડ ઉપર યોગેશ્વરનગરમાં રહેતા કેવિન સોનીગ્રા નામના યુવકને થોડા દિવસો પહેલા કોઈ અજાણ્યા શખ્સનો ફોન આવ્યો અને કહ્યું કે, તે ઈન્ડુસ બેંકમાંથી બોલે છે અને તેમનું ક્રેડીટ કાર્ડ વેરીફીકેશન માટે કોલ કર્યો છે. બાદમાં યુવકના ક્રેડીટ કાર્ડના નંબર અને સીવીસી નંબર, ઓટીપી મેળવી લીધા હતા. તેના પછી અચાનક યુવકના બેંક ખાતામાંથી ૯૧,૬૪૮ની રકમનું ટ્રાન્જેકશન થયું હતું. જે ટ્રાન્ઝેકશન યુવકે કર્યું ન હોવાથી છેતરપિંડી થયેલ હોવાનું સામે આવ્યું હતું. જેથી યુવકે તાત્કાલીક સાયબર ક્રાઈમ સેલના હેલ્પલાઈન નંબર ઉપર કોલ કરીને પોતાની ફરિયાદ આપતા જૂનાગઢ એસઓજીએ તુરંત બેંક એજન્સી સાથે સંપર્ક કરીને આ પેમેન્ટ અટકાવી દીધુ અને યુવકને તેની રકમ પરત અપાવી હતી.