ફૂલડોલ ઉત્સવ પૂર્વે દ્વારકા ભાણી પદયાત્રીઓનો પ્રવાહ… ખંભાળિયા નજીક અનેક સેવા કેમ્પનો ધમધમાટ

0
હોળી-ધુળેટીના પર્વને હવે આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે દ્વારકા ખાતે કાળીયા ઠાકોર સંગ ધુળેટી પર્વ મનાવવા માટે દર વર્ષે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને દ્વારકા ખાતે પહોંચે છે. પદયાત્રીઓનો આ પ્રવાહ ખંભાળિયા નજીકથી હવે શરૂ થઈ ચૂક્યો છે.
      દ્વારકા ખાતે ચાલીને જતા પદયાત્રીઓની સેવા માટે ખૂબ મોટી સંખ્યામાં સેવા કેમ્પો અહીં શરૂ થાય છે. જેમાં સેવાભાવી કાર્યકરો, આગેવાનો વિગેરે તન, મન અને ધનથી પદયાત્રી શ્રદ્ધાળુઓની સેવા કરે છે.
– ખોડીયાર મંદિર ખાતે વિશાળ અને સુવિધાસભર કેમ્પ –
     ખંભાળિયા નજીક અત્રેથી આશરે સાત કિલોમીટર દૂર આવેલા શ્રી ખોડીયાર માતાજીના મંદિર ખાતે આશરે અઢી દાયકા પૂર્વે શરૂ થયેલો આ પદયાત્રી સેવા કેમ્પ અવીરત રીતે પદયાત્રીઓની સેવા કરે છે. આ કેમ્પ આ વર્ષે પણ શરૂ થઈ ચૂક્યો છે. વર્ષો અગાઉ જ્યારે ખૂબ ઓછી સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા જવા માટે નીકળતા હતા, ત્યારે વર્ષ 1999 માં ખોડીયાર માતાજીના મંદિર ખાતે નાના પાયે શરૂ થયેલો આ કેમ્પ હવે છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ જ વિશાળ અને સુવિધાસભર બની રહ્યો છે.
       દાતાઓના સહયોગથી તેમજ મંદિરના ટ્રસ્ટીઓ અને આગેવાન રામભાઈ ગઢવી, ભીખુભાઈ જાડેજા, વિગેરેના સહયોગ સાથે સેવાભાવી કાર્યકર દીવુભાઈ સોની, અશોકભાઈ કાનાણી, ભવદીપ રાયચૂરા, મીત સવજાણી સહિતના કાર્યકરોની જહેમતથી આ કેમ્પ આ વર્ષે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જે માટે ખાસ કરીને યુવાનો-યુવતીઓ દ્વારા આસ્થાભેર સેવા કરવામાં આવે છે. આ કેમ્પમાં ગૃહિણીઓ રોટલા ઘડવા તેમજ ચા-નાસ્તો બનાવવા સહિતની સેવાઓ માટે આવે છે.
      આટલું જ નહીં, દિવસ રાત ચાલતા આ કેમ્પમાં સવાર-સાંજ ચા, નાસ્તા તેમજ ભોજન સહિતની સેવાઓ ઉપરાંત તબીબી સારવાર, પગચંપી, માલિસ, મોબાઈલ ચાર્જિંગ તેમજ રાતવાસાની સેવા પણ પદયાત્રીઓમાં ખૂબ જ આવકારદાયક અને રાહતરૂપ બની રહે છે.
– ખંભાળિયા વિસ્તારમાં અનેક કેમ્પ કાર્યરત –
       દ્વારકા ખાતે હોળી-ધુળેટીનો પર્વ મનાવવા માટે ચાલીને જતા યાત્રાળુઓની સંખ્યા દર વખતે વધતી જતી રહે છે. તેની સાથે ખંભાળિયા તથા આસપાસના વિસ્તારોમાં નાના-મોટા કેમ્પ પણ વધી રહ્યા છે. ફક્ત દ્વારકા કે જામનગર જિલ્લામાંથી જ નહીં, પરંતુ રાજ્યના જુદા જુદા અનેક વિસ્તારોમાંથી ચાલીને દ્વારકા જતા પદયાત્રીઓની સંખ્યા પણ નોંધપાત્ર બની રહે છે. અહીં જુદા જુદા વિસ્તારોમાંથી 40, 50 કે 100 યાત્રાળુઓના એક સાથે જૂથ પણ આવે છે.
      ત્યારે ખંભાળિયા નજીકના જામનગર તથા દ્વારકા હાઈવે માર્ગ પર સેવાભાવી લોકોની ટીમ દ્વારા થોડા-થોડા અંતરે નાના-મોટા સેવા કેમ્પ ઉભા કરવામાં આવે છે. આ આયોજન ખૂબ જ વિશાળ બની રહે છે. પદયાત્રીઓની કરવામાં આવતી સેવાને અમૂલ્ય લ્હાવો માનીને સ્વયંસેવકો અહીં આવતા પદયાત્રીઓને સામેથી બોલાવી અને ચા-પાણી, નાસ્તો, ભોજન, સહિતની સુવિધાઓ તેમજ મેડિકલ જરૂરિયાત વગેરેની સેવાઓ પણ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેમ્પમાં સાંસદ પૂનમબેન માડમ પોતે પણ પોતાના હાથે રોટલા ઘડી અને યાત્રીઓની સેવા કરે છે.
     પદયાત્રીઓ માટે ઠેર-ઠેર વિશાળ સમિયાણા બનાવીને તેઓ માટે છાંયડો, પ્રસાદ, રાત્રીના આરામ કરવાના કેમ્પ, શરૂ થઈ ગયા છે. જેમાં ખંભાળિયા નજીકના સિંહણ, દાતા, કુવાડીયા, સામોર, હંજડાપર, મેઘપર ટીટોડી, વડત્રા, ભાતેલ, વિગેરે સ્થળોએ સેવા કેમ્પો શરૂ થઈ ગયા છે.
       આ કેમ્પમાં હવે દિવસે દિવસે યાત્રાળુઓની સંખ્યામાં વધારો થશે. આ તમામ કેમ સંભવતઃ તારીખ 23 મી સુધી ચાલુ રહેશે.
error: Content is protected !!