મહાશિવરાત્રીના મેળામાં ઉત્કૃષ્ટ કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પદાધિકારીઓનું સન્માન કરાયું

0

પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુની પ્રેરણાથી જુના અખાડા, આહવાન અખાડા અને પંચ અગ્નિ અખાડા દ્વારા સંયુક્ત રીતે મહાશિવરાત્રીના મેળામાં ઉત્કૃષ્ટ કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા સહિતના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી મુક્તાનંદ બાપુની સાથે શ્રી હરિગીરી બાપુ અને શ્રી સતગીરી બાપુએ કલેકટર અનિલ કુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર એન. એફ. ચૌધરી સહિત મહાનગરપાલિકા, પીજીવીસીએલ સહિતના વિભાગના અધિકારીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર ગીતાબેન પરમારે જણાવ્યું કે, વિવિધ વિભાગોએ સાથે મળીને ભાવિકો માટે ઉમદા વ્યવસ્થા કરી હતી. શ્રી મુક્તાનંદ બાપુએ જણાવ્યું કે, મહાશિવરાત્રીના મેળામાં ભાવિકો આસ્થાભેર દિગંબર સાધુઓના દર્શન માટે આવે છે, આ મેળામાં ભજન- કીર્તનની સાથે ઉતારા મંડળ દ્વારા સદભાવ સાથે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે અને દિગંબર સાધુઓની રવાડી મહાશિવરાત્રીના મેળો અન્ય મેળાઓ કરતા વિશેષ ઓળખ આપે છે. આ મેળામાં તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ અને આયોજનો કરવામાં આવે છે. તેમણે ઉદાહરણ સાથે જણાવ્યું કે, સમાજમાં ઉમદા અને શ્રેષ્ઠ કામગીરી કરનારનું બહુમાન થવું જોઈએ. સાથે જ આવારા તત્વોને ડામી દેવા જોઈએ. તેના થકી જ શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થતું હોય છે. ઉચ્ચ પ્રતિભા ધરાવનાર લોકો જ સમાજને કંઈક આપતા હોય છે. લોકોમાં સારા વિચાર વગર સંસ્કાર ટકી શકતા નથી. તેમ જણાવતા રાષ્ટ્ર ભાવના સાથે સમાજ અને દેશની સેવા માટે પણ આહવાન કર્યું હતું. ઉપરાંત મહાશિવરાત્રીના મેળામાં વર્ષો વર્ષ વધતી જતી ભાવિકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા માટેનું આયોજન કઈ રીતે કરી શકાય તે માટેનું ભવિષ્યલક્ષી યોજના રજુ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ શ્રી મુક્તાનંદ બાપુના આ સન્માન- અભિવાદનના ઉપક્રમને આવકારતા જણાવ્યું કે, વહીવટી તંત્ર, પોલીસ, મહાનગરપાલિકા, વન વિભાગ સહિતના વિભાગોએ સાથે મળી મહાશિવરાત્રીના મેળામાં ખૂબ ઉમદા કામગીરી કરી છે. તેમણે સફાઈકર્મી સહિત દરેક વિભાગના અધિકારી કર્મચારીઓની કામગીરી બિરદાવતા કહ્યું કે, મીડિયા કર્મીઓએ પણ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા મહાશિવરાત્રીના મેળાની લોકો સુધી પહોંચાડી મેળાને એક નવી ઉંચાઈ આપી છે. ધારાસભ્યશ્રીએ શ્રી મુક્તાનંદ બાપુના સેવા કાર્યોનો પણ સવિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે કલેકટર અનિલ કુમાર રાણાવસિયાએ જણાવ્યું કે, મેળામાં પધારતા ભાવિકો એક સારો અનુભવ લઈને જાય. તેવો જિલ્લા વહીવટી તંત્રનો પ્રયાસ અને અભિગમ હોય છે. તેમણે કહ્યું કે, ગિરનાર લીલી પરિક્રમા અને મહાશિવરાત્રીના મેળો તંત્ર માટે એક પડકારરૂપ હોય છે પરંતુ તેને સરળ બનાવવા ઉપર ભાર આપવામાં આવે છે. આ માટે સાધુ સંતોના સૂચનો અને માર્ગદર્શન ઉપયોગી બને છે અને તેમના આશીર્વાદથી જ મેળાનું સફળ આયોજન શક્ય બને છે. કલેકટરએ સોરઠ પ્રદેશને અનુઠો ગણાવતા કહ્યું કે, અન્નક્ષેત્રોમાં નિસ્વાર્થ ભાવે લોકો સેવા કરે છે. ગિરનારનો સદીઓ જુનો ઈતિહાસ છે, અહીંયા આવતા લોકોની સંખ્યા પણ વધતી જાય છે. ખાસ કરીને ભવનાથ વિસ્તારનું લાંબાગાળાનું અને મોટાપાયે ડેવલપમેન્ટ હાથ ધરવાનું આયોજન કરાશે. ઓવરબ્રિજ, ર્પાકિંગ, પાણી વગેરે સગવડ વધારે સારી રીતે આપી શકાય તે માટે પણ પ્રયાસો કરાશે. શ્રી હરિગીરી બાપુએ જણાવ્યું કે, કુંભમેળા બાદ પણ શાસન પ્રશાસનને સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માન કરવાની પરંપરા છે. તેમણે ખાસ કરીને ભાવિકોની સંખ્યા વધતી હોવાથી મેળાનો વિસ્તાર ઓછો પડી રહ્યો છે ત્યારે મેળામાં ભાવિકોનું આવાગમન વધુ સરળ બને તે માટે જરૂરી આયોજન કરવા ઉપર ભાર મૂક્યો હતો.

error: Content is protected !!