જૂનાગઢ જીલ્લામાં લોકસભાની ચૂંટણી અંગે તંત્ર સજ્જ

0

જીલ્લામાં ૧૩૩પ મતદાન મથકો ઉપર મતદાન થશે : ચૂંટણલક્ષી કામગીરી માટે ૧૯ નોડલ ઓફિસરોની નિમણુંક કરાઈ

ગત શનિવારે દેશના મુખ્ય ચૂંટણીપંચ દ્વારા સામાન્ય લોકસભાની ચૂંટણી ર૦ર૪ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે અને સમગ્ર દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. આ જાહેરનામું બહાર પાડતાની સાથે કડક આચારસંહિતાની કડક અમલવારી શરૂ થઈ ગઈ છે અને ચૂંટણીલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમ્યાન જૂનાગઢ જીલ્લા કલેકટર અનીલકુમાર રાણાવાસીયાની અધ્યક્ષતામાં જૂનાગઢ જીલ્લા લોકસભાની ચૂંટણી અંગેની તૈયારીના ભાગરૂપે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી અને જૂનાગઢ જીલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી અસરકારક અને સુચારૂ થાય તે માટે વિવિધ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને ૧૯ નોડલ ઓફિસરોની નિમણુંક કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશભરમાં કુલ ૭ તબક્કામાં લોકસભા સામાન્ય ચૂંટણી યોજવાની છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કામાં તા.૭ મેના રોજ મતદાન થશે. જૂનાગઢ જિલ્લામાં ૧૩૩૫ મતદાન મથકો ઉપર મતદાન થનાર છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના લોકસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણીની કામગીરી સુચારૂ અને અસરકારક રીતે થાય તે માટે ૧૯ નોડલ ઓફિસરોની વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી માટે ફરજ સોંપવામાં આવી છે. આ ૧૯ નોડલ ઓફિસરની ખર્ચ મોનિટરિંગ, કાયદો અને વ્યવસ્થા જાળવવા, મેનપાવર મેનેજમેન્ટ, બેલેટ પેપર, એમસીસીના અમલીકરણ, ઓબ્ઝર્વર, ટ્રેનિંગ, ઇવીએમ, વીવીપેટ જેવી વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાનાર છે. ત્યારે ગુજરાતની ર૬ પૈકી એક જૂનાગઢ લોકસભા બેઠકની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં આ બેઠક ઉપર ૧,૪૮,૧રપ મતદારોનો વધારો થયો હોવાનું નોંધાયું છે. છેલ્લે ર૦૧૯માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ૧૬,૪૧,પર૮ મતદારો હતા. જેની સામે હાલ ર૦ર૪માં જાન્યુઆરીની સ્થિતિએ ૧૭,૮૯,૬પ૩ મતદારો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. સાતેય વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ ઉના મત વિસ્તારમાં મતદારો વધ્યા છે. જૂનાગઢ લોકસભા બેઠકમાં જૂનાગઢ જીલ્લાની વિસાવદર, જૂનાગઢ અને માંગરોળ વિધાનસભા મત વિસ્તાર અને ગીર-સોમનાથ જીલ્લાના સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના વિધાનસભા મત વિસ્તાર સમાવિષ્ઠ થાય છે. ત્યારે આ સાતેય વિધાનસભા મત વિસ્તારમાં માંગરોળ, ચોરવાડ, વિસાવદર, વેરાવળ-પાટણ, સુત્રાપાડા, તાલાલા, કોડીનાર અને ઉના નગરપાલિકા વિસ્તાર છે. સાથે એક જૂનાગઢ મહાપાલિકા વિસ્તાર તેમજ ૧૧ તાલુકા પંચાયતમાં કુલ પ૮૩ ગામડાઓનો સમાવેશ થાય છે. ૧૧ તાલુકા પંચાયતની વાત કરીએ તો માંગરોળ તાલુકા પંચાયત હેઠળ ૧પ ગામો, માળીયા તાલુકા પંચાયત હેઠળ ૭૪ ગામો, ભેસાણ તાલુકા પંચાયત હેઠળ ૩૮ ગામો, જૂનાગઢ તાલુકા પંચાયત હેઠળ પ૮ ગામો, વેરાવળ તાલુકા પંચાયત હેઠળ પ૩ ગામો, સુત્રાપાડા તાલુકા પંચાયત હેઠળ ૪૭ ગામો, તાલાલા પંચાયત હેઠળ ૪૪ ગામો, કોડીનાર તાલુકા પંચાયત હેઠળ પર ગામો અને ઉના તાલુકા પંચાયત હેઠળ ૯૧ ગામો તેમજ ગીર ગઢડા તાલુકા પંચાયત હેઠળ ૪૪ ગામોનો સમાવેશ થાય છે.

error: Content is protected !!