આગામી લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને સાત તબક્કામાં મતદાન યોજાવાનું છે. ત્યારે જૂનાગઢ લોકસભાની બેઠક માટે પણ તડામાર તૈયારી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. દરમ્યાન આ વખતની ચૂંટણીમાં પણ ઉપલા દાતાર બાપુની જગ્યાના મહંત પૂ. ભીમબાપુ મતદાનથી વંચિત રહેશે તેવા નિર્દેશો મળી રહ્યા છે. આ અંગે મળતી વિગત અનુસાર જૂનાગઢ ઉપલા દાતારની ધાર્મિક જગ્યાના મહંત ભીમબાપુએ ગત તા.રર-૧ર-ર૦ર૩ના સંબંધિત વિભાગને એક પત્ર પાઠવી અને ચૂંટણીપંચને લેખીત રજુઆત કરતા જણાવ્યું હતું કે, દાતાર બાપુની જગ્યા આસનસિધ્ધ છે અને આ જગ્યાના મહંત કદી નીચે ઉતરતા નથી ત્યારે દાતાર જગ્યામાં મતદાન મથક ઉભું કરી અને મત અધિકારની ઈચ્છા વ્યકત કરી હતી અને મતદાન કેન્દ્ર ઉભું કરવા રજુઆત કરવામાં આવી હતી. દરમ્યાન ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી અને જૂનાગઢ જીલ્લા કલેકટરે પણ ચૂંટણી અંગેની પ્રક્રિયાની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં ઉપલા દાતાર ખાતે મતદાન માટે કોઈ ઉલ્લેખ કરાયો નથી જેથી આ વખતની લોકસભાની ચૂંટણીમાં પૂ. ભીમબાપુ મતદાનથી વંચિત રહેશે તેવા નિર્દેશો મળે છે.(તસ્વીર ઃ વિજય ત્રિવેદી)