બોર્ડની પરીક્ષા ટાંકણે શૈક્ષણીક સંસ્થાના ગેટ પાસે ખોદી નખાતા વિદ્યાર્થી-લોકો મુશ્કેલીમાં મુકાયા : બે દિવસમાં ખાડા બુરી નાખવા તંત્રને નગરસેવક લલીત પરસાણાનું અલ્ટીમેટમ
જૂનાગઢ શહેરના મોટાભાગના રસ્તાઓ પ્રશ્ને આમ જનતામાં અનેક ફરિયાદો કાયમી ધોરણે રહેલી છે અને આ રસ્તાઓના પ્રશ્ને કોઈ સુખ-સુવિધા નગરજનોને પ્રાપ્ત થઈ ન હોવાને કારણે વ્યાપક રોષની લાગણી જાેવા મળી રહી છે. આ દરમ્યાન પરમદિવસ રાતના જાેષીપરા વિસ્તારમાં સરદારપરા કન્યા છાત્રાલય પાસેનો એક માત્ર રસ્તો કે જયાંથી હજારો વાહનો પસાર થાય છે તે રાતોરાત અડધી રાતે રસ્તા ખોદી નાખવાના બનાવને પગલે જાેષીપરા ફાટકથી લઈને સરદારપરા સુધીના વિસ્તારમાં પસાર થવું અતી મુશ્કેલ બન્યું હતું. એક તરફ બોર્ડની પરીક્ષા તેમજ અહીંથી જ મુખ્ય રોડ નીકળતો હોય જેને લઈને પણ વિદ્યાર્થી રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. કોઈ જાતના આયોજન વિના કે ડાયવર્ઝન અથવા તો વૈકલ્પીક રસ્તાઓનું દિશા સુચન કર્યા વિના ખોદી નાખવામાં આવેલા આ રસ્તાઓ તાત્કાલીક અસરથી એટલે કે બે દિવસમાં યોગ્ય કરવામાં નહી આવે અને ખાડા બુરવામાં નહી આવે તો આ વિસ્તારના લોકો અને વેપારીઓને સાથે લઈ આંદોલન કરવાની ચિમકી વોર્ડ નં-૪ના નગરસેવક લલીત પણસારાએ આપી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, જૂનાગઢમાં રેલ્વે ફાટકથી સરદારપરા તરફ જવાનો મુખ્ય માર્ગ જે સરદાર પટેલ સંકુલ અને સરદારપરા કન્યા છાત્રાલય પાસેથી નીકળે છે તે રસ્તાને મોડી રાતે જેસીબી વડે ખોદી નાખવામાં આવ્યો હતો. આને સવારથી અહીંથી રસ્તાને ઉડો ઉતારવાનું અને માટી કાઢવાનું કામ શરૂ કરવામાં આવતા આ માર્ગ મુખ્ય બજાર હોય અહીંથી પસાર થતા વાહન ચાલકોને સવારથી દિવસભર સુધી હાલાકી અનુભવી પડી હતી. તેમાય ખાસ કરીને અહીં સ્કુલ હોય સવારે, બપોરે અને સાંજે શાળા શરૂ થવા સમયે શાળા છુટવા સમયે ભારે મુશ્કેલી સર્જાઈ હતી. એક તરફ બોર્ડની પરીક્ષાને લઈને હજારો વિદ્યાર્થીઓને વાહન લઈને પસાર થવું અને વાહન કયાં પાર્ક કરવા તે પ્રશ્ન સર્જાયો છે. તો શાળા છુટવા સમયે સ્કુલની અસંખ્ય રીક્ષાઓ જેમાં બાળકો બેઠા હોય તેઓને ના છુટકે જાેખમી મુસાફરી કરવી પડી રહી છે. અમુક કિસ્સાઓમાં તો રીક્ષામાંથી નીચે ઉતરીને બાળકોને ચાલીને જવું પડે તેવી સ્થિતિ જાેવા મળી રહી હતી. અનેક સ્કુલની રીક્ષા આ બિસ્માર રસ્તાના ખાડામાં ફસાઈ હતી તો તેને રાહદારીઓએ ધક્કા મારીને બહાર કાઢવી પડે તેવી સ્થિતિ જાેવા મળી હતી. આ વિસ્તારમાં અનેક મકાનો અને દુકાનો આવેલા છે ત્યારે અહીં રાતોરાત રોડ-રસ્તા ખોદી નાખતા તેઓને વેપાર-ધંધાને ભારે તકલીફ પડી રહી છે. તો અહીં રસ્તો ખોદીને ડાયવર્ઝન પણ કાઢવામાં ન આવતા અનેક વાહન ચાલકો આ બિસ્માર રસ્તામાં પોતાના વાહન લઈને નીકળવા મજબુર બન્યા હતા. જેનાથી સ્થાનિક લોકો અને શાળામાં અભ્યાસ કરતા બાળકો અને વાલીઓ અને વેપારીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.