જૂનાગઢ સહિત રાજયભરમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. દરમ્યાન બોર્ડની ચાલી રહેલી પરીક્ષામાં વિસાવદરમાંથી એક ડમી વિદ્યાર્થી ઝડપાતા તેના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે મળતી વિગત મુજબ હાલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧ર બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે. દરમ્યાન આ પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. આ અંગે શિક્ષણ વિભાગના કન્ટ્રોલ રૂમમાંથી મળતી વિગત મુજબ મંગળવારે ધોરણ ૧રમાં અંગ્રેજી વિષયનું પેપર હતું. ત્યારે વિસાવદરની એપોલો ઈન્ટરનેશનલ સ્કૂલમાં એક ડમી વિદ્યાર્થી અંગ્રેજી વિષયનું પેપર આપતા ઝડપાઈ ગયો હતો અને આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા ડમી વિદ્યાર્થી સામે વિસાવદર પોલીસમાં એફઆઈઆર નોંધાવવામાં આવી છે. દરમ્યાન ગેરરીતી આચનાર પરીક્ષાર્થીના શિક્ષાના કોષ્ટક મુજબ મુળ પરીક્ષાર્થીને બદલે તેની સંમતિ કે સંમતિ વગર બીજી કોઈ વ્યકિત પરીક્ષામાં બેઠી હોવાનું સાબિત થાય તો પરીક્ષાર્થીનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી અને ત્યાર પછીની બે પરીક્ષામાં બેસવા દેવા નહી અને પોલીસ કેસ નોંધાવવાની જાેગવાઈ કરાઈ છે. આ જાેગવાઈ અંતર્ગત આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.