જૂનાગઢમાં હથિયારનું લાયસન્સ ધરાવતી એક મહિલા અને કેશોદના મઢડા ગામે આવેલ ભીમનાથ મંદિરના પુજારી સામે પોલીસે હથિયારધારાના નિયમનો ભંગ કર્યાનો ગુનો દાખલ કર્યો છે. જેમાં પોલીસે પુજારીની અટક કરીને વધુ તપાસ શરૂ કરી છે. કેશોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ મોરીએ જૂનાગઢની ગંગાબેન ઉર્ફે ગીતાબેન હીરાભાઈ રાઠોડ(ઉ.વ.પ૪) રહે.અંબિક ચોક, નાગર રોડ, સરિતા એપાર્ટમેન્ટ, બ્લોક નં-ર૦ર અને કેશોદના મઢડા ગામના ભીમનાથ મંદિરના પુજારી રોહિતગીરી નિરંજનદેવગીરી સામે આઈપીસી કલમ ર૯(બી), ૩૦ અન્વયે ગુનો દાખલ કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, ગંગાબેન પાસે સ્વરક્ષણ માટે પરવાનાવાળું ૩ર બોરનું રિવોલ્વર ધરાવે છે. જેની મુદ્દત તા.ર૪ ડીસેમ્બર ર૦ર૩ સુધીની હતી તે અરસામાં ગત તા.૧ જાન્યુઆરી ર૦ર૪ના રોજ ગંગાબેન રિવોલ્વર લઈને મઢડા ગામે ગયેલા હતા. અહી તેઓ ભીમનાથ મંદિરે હતા ત્યારે ગંગાબેનને સોનલ માતાજીના દર્શન કરવા માટે જવું હોય જેથી મંદિરમાં હથિયાર લઈ જવાનું હિતાવહ ન હોય જેથી ગંગાબેને તેની રિવોલ્વર પુજારી રોહિતગીરીને સાચવવા આપી હતી. બાદમાં પુજારી રિવોલ્વર લઈને જતા રહેલા અને ગંગાબેનની તબિયત બરોબર ન હોય તેઓ નીકળી ગયેલા અને પછી અમદાવાદ જતા રહેલા હતા. તે અરસામાં તેની રિવોલ્વર માટે પુજારીનો ફોન આવ્યો કે રિવોલ્વર ખોવાઈ ગયેલ છે. દરમ્યાન જે અંગે ગંગાબેનની ફરિયાદના આધારે કેશોદ પોલીસે પુજારી સામે આઈપીસી કલમ ૪૦૬, ૪ર૦ અન્વયે ફરિયાદ નોંધી હતી. દરમ્યાન આ બનાવમાં પોલીસે પણ ગંગાબેન અને પુજારી રોહિતગીરી સામે પણ હથિયારધારાના નિયમોના ભંગ બદલ ગુનો દાખલ કરીને પુજારીની અટક કરીને પુછતાછ શરૂ કરી છે કે હથિયાર કયાં ગયું, તે બાબતની તપાસ હાથ ધરવામાં આવી છે.