ગીરના નેસના માલધારીઓના પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું

0

૧પ દિવસમાં પ્રશ્નો નહી ઉકેલવાય તો મતદાનનો બહિષ્કાર કરાશે

ગીરના નેસના માલધારીઓ દ્વારા વન વિભાગની અન્યાયી નીતિ અને તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે અગાઉ આવેદનપત્ર આપી રજુઆત કરી હતી પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હવે માલધારીઓ દ્વારા લડી લેવાના મૂડમાં હોય અને જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ૧પ દિવસમાં તેમના પ્રશ્નો નહી ઉકેલાય તો મતદાન બહિષ્કારની ચિમકી આપી છે. ગીરમાં રહેતા માલધારીઓ રાણાભાઈ રણમલભાઈ મોરી(ગંગાજળીયા નેસ), વિરાભાઈ(દુધાળા નેસ), જીવણભાઈ રાડા(અમૃતવેલ નેસ), ગોલણભાઈ જેબલીયા(ગીર નેસ) સહિતના માલધારીઓ ગઈકાલે તેમના પરિવાર અને સંતાનો સાથે જૂનાગઢ કલેકટર કચેરી ખાતે આવ્યા હતા. તેઓએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું છે કે, તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે ગત તારીખ ૧પ માર્ચના રોજ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું અને ૧૦ દિવીસમાં માંગણીઓ પુરી નહી થાય તો આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવાની ચિમકી આપેલ હતી. આમ છતાં તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તેઓ સહિત કુલ ર૮ માલધારીઓએ સાસણ ખાતે ર૮ માર્ચથી પ્રતિક ઉપવાસ ઉપર બેસવા માટે આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ સાસણ ખાતે મંજુરી વગર ઉપવાસ ઉપર ન બેસવા માટે પોલીસ તંત્ર દ્વારા સમજાવટ કરતા તેઓ ઉપવાસ ઉપર બેસેલ નહી. ત્યારબાદ તારીખ ૩૦ માર્ચના રોજ ર૮ માલધારીઓએ સાસણ ખાતે ઉપવાસ ઉપર બેસવા માટે મેંદરડા પ્રાંત અધિકારી અને મામલતદારની મંજુરી માંગેલ હતી પરંતુ આજ દિન સુધી તે મંજુરી આપવામાં આવેલ નથી. જેથી તમામ માલધારીઓ પોતાના પરિવાર સાથે જૂનાગઢ જીલ્લા કલેકટર કચેરી ખાતે આવ્યા હતા અને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો તેઓ હજુ ઉગ્ર આંદોલન કરશે તેવી ચિમકી આપી હતી. માલધારીઓના હક્ક ન અપાવી શકતા હોય તો તેઓને માલધારીઓને ઈચ્છામૃત્યું માટે મંજુરી આપવા વિનંતી કરી છે અને જાે તેમના પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલીક નહી થયું તો નેસના તમામ મતદારો આગામી લોકસભા ચૂંટણીના મતદારનો બહિષ્કાર કરશે. આથી વન વિભાગની અન્યાય નીતિ અને પડતર પ્રશ્નો અંગે આમરણાંત ઉપર બેસવા મંજુરી આપવા અથવા ઈચ્છા મૃત્યુંની મંજુરી આપવા વિનંતી કરવામાં આવી છે. આ અંગે કલેકટરે માલધારીઓના પ્રશ્નોનું ૧પ દિવસમાં નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી અને ૧પ દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ નહી થાય તો માલધારીઓ ૧પ દિવસ પછી આંદોલન કરવા જૂનાગઢ આવશે તેવું માલધારીઓએ જણાવ્યું હતું.(તસ્વીર ઃ ધર્મેશભાઈ)

error: Content is protected !!