જૂનાગઢ શહેરમાં ગઈકાલે બનેલા એક બનાવમાં ખરીદી કરવા ગયેલા એક વૃધ્ધ ગોરમહારાજના ખિસ્સામાંથી રૂા.૧૧ હજારની રોકડ રકમની ચોરી કરનારા બે શખ્સોને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી લઈ અને તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢ ટીંબાવાડી ખાતે રહેતા શૈલેષભાઈ જટાશંકરભાઈ દવે ભવનાથ દામોદર કુંડ ખાતે પોતાના યજમાનની કર્મકાંડ વિધી કરવા ગયેલ અને વિધી પૂર્ણ કરી પોતાના ઘરે પરત આવતા હોય દરમ્યાન કાળવા ચોક ખાતે આરતી નામની દુકાને ખરીદી અર્થે ગયેલ તે દરમ્યાન તેમના ખિસ્સામાં રાખેલ કર્મકાંડના રૂા.૧૧ થી સાડા અગીયારની રોકડ કોઈ ચોરી કરી ગયાની ફરિયાદ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. જેના અનુસંધાને એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર વી.જે. સાવજે તાત્કાલીક ગુનાની નિવારણ શાખાના સ્ટાફને ટીમ વર્ક કરી અને વિશ્વાસ પ્રોજેકટ હેઠળના નેત્રમ શાખાની મદદ મેળવી અને ચોરી કરનારને શોધવા સુચના આપેલ અને ગુના નિવારણ શાખાના એએસઆઈ સરતાજ સાંધે હ્મુમન તથા ટેકનિકલ સોર્સથી આ કામના આરોપીઓ નીચલા દાતાર દરગાહ પાસે આવેલ ઝુંપડપટ્ટી ખાતે હાજર હોય તેવી માહિતી આપતા જ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં દોડી ગયેલ અને અરવિંદભાઈ કમલેશભાઈ સોલંકી દેવીપૂજક રહે.સનાળા તથા સાગર ભનુભાઈ સોલંકી જાતે.દેવીપૂજક રહે.જેતપુર વાળાને રૂા.૧૧ હજારની રોકડ તેમજ મોબાઈલ ફોન રૂા.પ હજારનો સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.