ગુજરાતમાં પુરૂષોત્તમ રૂપાલાનો વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે એટલું જ નહીં માત્ર સૌરાષ્ટ્ર પૂરતો રહેલો આ વિરોધનો વંટોળ હવે આખા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ આક્રમક બની ગયો છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પણ આ મુદ્દો શાંત કરવા મથામણ કરી રહ્યા છે. અમદાવાદ ગોતા ખાતે રાજપુત સમાજની એક મિટિંગ મળી હતી. જેમાં ભાજપના સિનિયર પૂર્વ અને વર્તમાન કેબિનેટ મંત્રીઓએ રાજપુત સમાજની સંસ્થાઓ અને કેટલાક આગેવાનો સાથે મીટીંગ કરી હતી અને રૂપાલાને માફ કરવા માટે અપીલ કરી હતી. જાેકે રાજપૂત સમાજ પુરૂષોત્તમ રૂપાલાના નિવેદન બાબતે માફી નહીં આપવા માટે મક્કમ બન્યા હતા. જેના કારણે મામલો ઉકેલવા માટે કરેલી પ્રથમ બેઠક નિષ્ફળ નીવડી છે તો બીજી તરફ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સિનિયર નેતાઓ અને રાજપૂત સમાજના સિનિયર રાજકીય નેતાઓ વચ્ચે બેઠકોનો દોર શરૂ થયો છે. જાેકે પુરૂષોત્તમ રૂપાલા મામલે હવે ક્ષત્રિય સમાજ આક્રમક વલણ અપનાવશે એ વાત નિશ્ચિત છે પરંતુ ભાજપ રાજપુત સમાજની માંગ મુજબ પુરૂષોત્તમ રૂપાલાને ચૂંટણી નહીં લડવા માટે સૂચના આપશે કે કેમ ? આવી અનેક રાજકીય ચર્ચાઓ હાલ ચકડોળ ચડી છે ત્યારે પુરૂષોત્તમ રૂપાલાનું ભાવી કોણ અને ક્યારેય નક્કી કરશે તે યક્ષ પ્રશ્ન છે.