જૂનાગઢ શહેરમાં બનેલા એક બનાવમાં એક વેપારીએ વેપાર-ધંધા માટે લીધેલા નાણાં વ્યાજ સહિત ચુકવી દીધા હોવા છતાં ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી અને વેપારીની દુકાને જઈ ધંધાની થયેલ રોકડ આવક બળજબરીથી પડાવી લીધી હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, એપ્રિલ ર૦ર૩થી આજ દિન સુધીમાં બનેલા બનાવમાં હવેલી ગલીમાં સાઈકૃપા માર્કેટમાં વિનાયક સેલ્સના નામે પરફયુમ અને સ્પ્રેની હોલસેલની દુકાન ખાતે બનેલા બનાવ અંગે તા.પ-૪-ર૦ર૪ કલાક ર૩ઃ૧૦ વાગે ફરિયાદ નોંધવામાં આવી છે. જે અંગે મળતી વિગત પ્રમાણે જૂનાગઢના બસ સ્ટેશન પાસે ચાણકય બી એપાર્ટમેન્ટ, બ્લોક નં-૬૦રમાં રહેતા મનસુખભાઈ ઓધવજીભાઈ રાયઠઠા(ઉ.વ.૭૧)એ નિતેષભાઈ જયંતીભાઈ અઢીયા રહે.જૂનાગઢ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીના દિકરા નિનાદભાઈએ આ કામના આરોપી પાસેથી એપ્રિલ-ર૩થી વેપાર ધંધા માટે જરૂરીયાત મુજબ અલગ-અલગ તારીખે પૈસા વ્યાજે લેતા હોય જેમાં રૂપીયા પ૦,૦૦૦ તેમજ રૂપીયા ૧,૦૦,૦૦૦ માસીક વ્યાજ રૂપીયા ૮ ટકા થી ૧૦ ટકા વ્યાજે લીધેલ હોય જે પૈસા ફરિયાદીના દિકરાએ આ કામના આરોપીને વ્યાજ સહિત પરત આપી દીધેલ હોય અને આ કામના આરોપી પાસે નાણાંધિરધારનું લાયસન્સ ન હોવા છતાં પૈસા વ્યાજે આપી અવાર-નવાર મુળ રકમ તથા વ્યાજની પઠાણી-ઉઘરાણી કરી ફરિયાદીના દિકરાને ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી ફરિયાદીના દિકરાની દુકાને જઈ વેપાર-ધંધાની થયેલ રોકડ આવક બળજબરીથી પડાવી લઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩૮પ, પ૦૬(૧), ગુજરાત નાણાંધિરધાર અધિનીયમની કલમ પ, ૩૩, ૪ર(એ), ૪ર(ડી) અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.એલ. લગધીર ચલાવી રહ્યા છે.