લાંચ લેતા ઝડપાયેલા જૂનાગઢના જીએસટી અધિકારી ૩ દિવસનાં રિમાન્ડ ઉપર પુછપરછ હાથ ધરાઈ

0


જૂનાગઢમાં લાંચ લેતા ઝડપાયેલ જીએસટી અધિકારીને ૩ દિવસના રિમાન્ડ ઉપર મેળવવામાં આવ્યા છે. ગુરૂવારે શહેરમાં સરદાર બાગ બહુમાળી ભવન સ્થિત જીએસટી કચેરી ખાતે એસીબીના સ્ટાફે ટ્રેપ ગોઠવીને એલયુટી(લેટર ઓફ અન્ડર ટેકિંગ) સર્ટિફિકેટ મુદે આસિસ્ટન્ટ કમિશ્નર વલ્લભભાઈ ભીખાભાઈ પટેલીયાને જાગૃત નાગરિક પાસેથી રૂપિયા ૧૨,૦૦૦ની લાંચ સ્વીકારતા ઝડપી લઇ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને શહેરમાં મીરાનગર વિસ્તારમાં આવેલ વલ્લભ પટેલીયાના નિવાસ સ્થાન ઉપર સર્ચ કરવામાં આવ્યું હતું. ઝડતીની આ કાર્યવાહી દરમ્યાન અન્ય કંઈ મળી આવ્યું ન હતું. દરમ્યાન આ અંગેની વધુ તપાસ સુરેન્દ્રનગર એસીબીના પીઆઇ એમ. એ. પટેલને સોંપવામાં આવતા તેઓએ શુક્રવારે બપોર બાદ જીએસટી અધિકારીને ત્રણ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. અદાલતે ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરતા આરોપી જીએસટી અધિકારીને સાથે રાખી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. રૂપિયા ૧૨,૦૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલા જીએસટી આસિસ્ટન્ટ કમિશ્નર વલ્લભભાઈ પટેલીયા નિવૃત્તિના આરે હતા. નોકરીમાંથી નિવૃત્ત થવાના આડે માત્ર ૬૦ દિવસ જ બાકી હતા. તે પહેલા તેઓ લાંચ લેતા ઝડપાઈ જતાં ચકચાર મચી ગઈ હતી.

error: Content is protected !!