જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલકુમાર રાણાવસિયાની દેખરેખ હેઠળ EVM અને VVPAT વિધાનસભા બેઠકવાર રવાના

0

વ્હિકલ ટ્રેકિંગ સિસ્ટમ સાથેના વાહનોમાં EVM અને VVPATને રવાના કરાયા : જિલ્લાની પાંચે ય વિધાનસભા બેઠક માટેના EVM- VVPAT સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રીતે રાખી દેવાશે : ૮૫-માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ EVM -VVPAT સોંપણી કરાઈ : ટેકનોલોજીના ઉપયોગથી ક્ષતિરહિત રીતે EVM –VVPATની થતી સોંપણી

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની દેખરેખ હેઠળ આજે સવારે EVM અને VVPATની ૧૩ – જૂનાગઢ લોકસભા મતવિસ્તાર હેઠળના જિલ્લાના પાંચે ય વિધાનસભા મતવિસ્તાર ઉપરાંત માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે EVM અને VVPAT વ્હિકલ ટ્રેકિંગ સિસ્ટમ સાથેના વાહનોમાં રવાના કરવામાં આવ્યા હતા. આ EVM અને VVPATને સંબંધિત વિધાનસભા બેઠકના સ્ટ્રોંગરુમમાં સુરક્ષિત રીતે રાખી દેવામાં આવશે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા ચૂંટણી પંચની નિયત માર્ગદર્શિકા અનુસરતા જરૂરી નિરીક્ષણ કર્યા બાદ EVM અને VVPATને વેરહાઉસમાંથી બહાર લાવી રેન્ડેમાઈઝેશન દ્વારા થયેલ ફાળવણી મુજબ જીલ્લાની પાંચે ય વિધાનસભા મતવિસ્તારવાર અને માણાવદર બેઠકની પેટા ચૂંટણી માટે ફરજ પરના અધિકારી -કર્મચારીને ચૂંટણી પંચના નિર્દેશો મુજબની પ્રક્રિયા અનુસાર EVM અને VVPATની સોંપણી કરવામાં આવી હતી. આ EVM અને VVPATની સોંપણી પ્રક્રિયા પારદર્શક રીતે થાય તે માટે તેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લાની ૫ વિધાનસભા મતવિસ્તારના કુલ ૧૩૩૫ મતદાન મથક છે, તેને ધ્યાનમાં રાખીને ૧૨૫ ટકા લેખે ૧૬૬૭ બેલેટ યુનિટ અને તેટલા કંટ્રોલ યુનિટ અને ૧૩૫ ટકા લેખે ૧૭૯૬ VVPAT ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત ૮૫- માણાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ૨૭૭ મતદાન મથક છે, તેને લક્ષમાં રાખી ૧૨૫ ટકા લેખે ૩૪૬ બેલેટ યુનિટ તથા ૩૪૬ કંટ્રોલ યુનિટ અને ૧૩૫ ટકા લેખે ૩૭૩ VVPATની ફાળવણી થઈ છે.
આ તકે નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.એફ ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હર્ષ પટેલ, ઈવીએમના નોડળ અધિકારી શ્રી ઝાંપડા, મદદનીશ ચૂંટણી અધિકારી સર્વ શ્રી ચરણસિંહ ગોહિલ, કિસન ગરચર, કે.પી. ગોહિલ, હિરલ ભાલાળા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
…….
ટેકનોલોજીના ઉપયોગથી ક્ષતિરહિત રીતે EVM –VVPATની થતી સોંપણી

ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે થાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, EVM -VVPAT સોંપતી અને સંભાળતી વખતે જરૂરી કાગળ પરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. સાથે જ બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટ પર રહેલા એક કોડને સ્કેન કરવામાં આવે છે. રેન્ડેમાઈઝેશન દ્વારા EVM -VVPATની ફાળવણી જે તે વિધાનસભા મત વિસ્તારને થઈ છે. તે મુજબનું EVM –VVPAT હોય તો જ રિસીવ કરનાર કર્મચારી EMS સોફ્ટવેરમાં સ્કેન કરી શકે છે. આમ, એક વિધાનસભા મતવિસ્તારનું EVM -VVPAT અન્ય વિધાનસભા મત વિસ્તારમાં જતુ અટકે છે અને જવાની શક્યતા પણ રહેતી નથી.

error: Content is protected !!