બિલખાના ઉમરાળા ગામે સિંહે હુમલો કરતા ઈજાગ્રસ્ત બનેલા પરપ્રાંતિય યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો

0

ગઈકાલે વહેલી સવારે કુદરતી હાજત માટે ગયેલા યુવાન પર સિંહે હુમલો કર્યો હતો : વાડી માલીક તેમજ પાડોશીઓએ ભારે જહેમત બાદ સિંહને ભગાડી યુવાનનો જીવ બચાવ્યો હતો

જૂનાગઢ નજીક આવેલા બિલખા તાબાના ઉમરાળા ગામે ગઈકાલે વહેલી સવારે વાડી વિસ્તારમાં બનેલા એક બનાવમાં પરપ્રાંતિય એક ખેત મજુર કુદરતી હાજતે ગયેલ તે વખતે સિંહે હુમલો કરતા આ યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના અંગેની જાણ થતા વાડી માલિક તેમજ આસપાસના લોકોએ ભારે જહેમત બાદ સિંહને ભગાડી અને યુવાનનો જીવ બચાવ્યો હતો. ઈજાગ્રસ્ત બનેલા આ યુવાનને હાલ અમદાવાદ વધુ સારવાર માટે ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર બિલખા તાબાના ઉમરાળા ગામના વાડી વિસ્તારમાં ગઈકાલે વહેલી સવારે સિંહના હુમલાનો બનાવ બન્યો હતો અને કુદરતી હાજતે ગયેલા પરપ્રાંતિય ખેત મજુર અનિલભાઈ વેસુભાઈ વાસુનીયા(ઉ.વ.ર૦) રહે.મધ્યપ્રદેશ ઉપર અચાનક જ સિંહે હુમલો કર્યો હતો. જે અંગેની જાણ ખેતરના માલીક ઉમેદભાઈ વાળાને થઈ હતી. તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓ તેમજ આસપાસના લોકોએ ભારે જહેમત અને વાહનોના હોર્ન વગાડી હાકલા-પડકારા કરી અને સિંહને આખરે ભગાડી દીધો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા અનિલભાઈ વેસુભાઈને તાત્કાલીક સારવાર માટે બિલખા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં પ્રાથમિક સારવાર લીધા બાદ વધુ સારવારની જરૂરીયાત થતા જૂનાગઢ સિવીલ હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટ ખસેડવામાં આવેલ અને રાજકોટ ખાતે પણ આ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર આપવામાં આવી હતી. દરમ્યાન સિંહના હુમલાનો ભોગ બનેલા યુવાનને રાજકોટ ખાતે હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે જે અંગેની જાણ થતા મિડીયાના પ્રતિનિધિઓ ત્યાં દોડી આવ્યા હતા અને આ તકે વાડી માલીક વિરેન્દ્રભાઈ વાળાએ મિડીયાને જણાવ્યું હતું કે, અનીલભાઈ વેસુભાઈ ઉપર સિંહે હુમલો કરી ઈજાગ્રસ્ત બનાવ્યા હતા તે અંગેની જાણ થતા જ અમે લોકો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ સિંહને ભગાડવામાં સફળતા મળી હતી. આ રીતે યુવાનને જીવ બચાવ્યો હતો પરંતુ તેને પીઠ અને કરોડરજ્જુમાં ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેને વધુ સારવાર માટે રાજકોટ હાલ લાવ્યા છે અને અહીંથી અમદાવાદ લઈ જવામાં આવી રહેલ છે. વાડી માલીક વિરેન્દ્રભાઈ વાળાએ વધુમાં જણાવેલ હતું કે, બિલખા ગામ તથા આસપાસના વાડી વિસ્તારોમાં અવાર-નવાર વન્ય પ્રાણી જેવા કે દિપડા-સિંહના હુમલાના બનાવો બનતા હોય છે અને આ અંગે અવાર-નવાર વન વિભાગને રજુઆતો પણ કરવામાં આવી છે અને વન્યપ્રાણીઓથી અમોને સુરક્ષીત રાખવા અપીલ કરાઈ છે. વન્યપ્રાણીઓ દ્વારા મારણ તો અવાર-નવાર પશુઓનું થતું હોય છે આ માનવ ઉપરનો પ્રથમ હુમલો બનેલ છે અને જેને લઈને ભય ફેલાયેલો છે. આવા હિંસક હુમલાના બનાવ ન બને તે માટે વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. દરમ્યાન હાલ તો ઈજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવેલ છે તેમ જાણવા મળેલ છે.

error: Content is protected !!