જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા તા.૧૬ એપ્રિલે ઉમેદવારી પત્રક રજુ કરશે : ભવ્ય રોડ શોનું આયોજનભારતીય જનતા પાર્ટી જૂનાગઢ લોકસભાનાં ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા આગામી તા.૧૬-૪-૨૦૨૪નાં રોજ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા જવાનાં હોય કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તકે લોકસભાનાં સંયોજક ચંન્દ્રેશભાઇ હેરમાંએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જ્યારે જૂનાગઢ લોકસભામાં રાજેશભાઈ ચુડાસમાને ત્રીજીવાર લોકસભાનાં ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. ત્યારે જૂનાગઢનાં કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દરમ્યાન રાજેશભાઈ ચુડાસમા આગામી ૧૬ એપ્રિલનાં રોજ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઇ રહ્યાં છે ત્યારે સવારે ૯ઃ૩૦ કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ ચોક ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ ચોકથી એમજી રોડ, આઝાદ ચોક, તળાવ દરવાજા, જાગનાથ મહાદેવ મંદિરથી જયશ્રી રોડથી સરદાર વલ્લભભાઈ પટેલ ચોક સુધી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ શુભ ચોઘડિયામાં જૂનાગઢ લોકસભાનાં ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા સંતો-મહંતો તથા આગેવાનોનાં આશિર્વાદ પ્રાપ્ત કરી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. આ તકે ક્લસ્ટર પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જૂનાગઢ લોકસભાના પ્રભારી ઉદયભાઈ કાનગડ, પ્રદેશ મંત્રી જવેરીભાઇ ઠકરાર, જૂનાગઢ મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્મા, જીલ્લા પ્રમુખ કીરીટભાઇ પટેલ, ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ભગવાનજીભાઈ કરગઠીયા, ભગવાનજીભાઈ બારડ, પ્રદ્યુમનભાઇ વાજા, કે.સી. રાઠોડ જીલ્લા પંચાયત પદાધિકારીઓ, મહાનગર મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક તથા સંગઠન મહામંત્રીઓ તેમજ સંગઠનનાં હોદેદારો તથા પુર્વ મંત્રી, પુર્વ સાંસદ, પુર્વ ધારાસભ્ય, પુર્વ મેયર, પુર્વ પદાધિકારીઓ, આગેવાનો, પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેશે તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.