દોમડીયા વાડી ખાતેથી પરિવર્તન સંકલ્પ રેલી યોજી અને ટેકદાર સમર્થકોની ઉપસ્થિતિમાં નામાંકન રજુ કર્યું
લોકસભાની બેઠક માટે ઉમેદવારી પત્રક નોંધાવવાના આજ અને આવતીકાલ બે દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતની ર૬ લોકસભાની બેઠક ઉપર ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા વધુ વેગવાન બની છે. જૂનાગઢ લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિરાભાઈ જાેટવાએ આજે એક વિશાળ પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજી અને ટેકોદારો અને સમર્થકોની ઉપસ્થિતિમાં વિધીવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. કાર્યકર્તાઓએ હીરાભાઈ તુમ આગે બઢો હમ તુમારે સાથ હૈના નારા લગાવ્યા હતા.
સોરઠ પંથકની અતિ મહત્વની જૂનાગઢ લોકસભાની બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધા જંગના મંડાણ છે. ગત તા.૧૬ના રોજ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ સમર્થકોની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જયારે આજે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જાેટવાએ આજે સવારે દોમડીયા વાડી ખાતે શહેર જીલ્લાના કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ અગ્રણીઓ, કાર્યકર્તાઓ, હિતચિંતકો, શુભેચ્છકોની વિશાળ હાજરી વચ્ચે દોમડીયા વાડી ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાંથી એક રેલી યોજવામાં આવી હતી. સમર્થકોની સાથે રોડ શોની શરૂઆત દોમડીયા વાડી કોલેજ રોડથી કરવામાં આવી હતી. કાળવા ચોક, એમજી રોડ, આઝાદ ચોક, ચીતાખાના ચોક, ગાંધીચોક, બસ સ્ટેન્ડ, ઝાંસીની રાણીના સર્કલ થઈને કલેકટર કચેરીએ પહોંચી હિરાભાઈ જાેટવાએ પોતાનું ઉમેદવારી પત્રક રજુ કર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જાેટવાએ ચાર કિલોમીટરનો રોડ શો પદયાત્રા કરીને યોજયો હતો અને ઠેર-ઠેર તેઓને આવકારવામાં આવ્યા હતા. કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. આહિર સમાજના અડીખમ નેતા અને જાહેર જીવનમાં દરેક વર્ગમાં સારી એવી ચાહના ધરાવનાર હીરાભાઈ જાેટવાએ કોંગ્રેસ તરફથી જૂનાગઢની લોકસભાની બેઠક ઉપર જયારે ઉમેદવારી નોંધાવી છે ત્યારે તેઓને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે.