‘રામનવમી’ પર્વ પ્રસંગે આરાધ્ય દેવ ભગવાન શ્રી રામલલ્લાના પ્રગટય દિનને ઉમંગભેર આવકારતા ભાવિકો : ઠેર-ઠેર વધામણા સાથે શોભાયાત્રાનું કરાયું સ્વાગત
મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટઠય દિન એટલે કે ચૈત્રસુદ-૯ ‘રામનવમી’ના પર્વની ગઈકાલે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉત્સાહભેર, ઉમંગભેર ભાવપુર્વક ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાં ગઈકાલે ભગવાન શ્રી રામલલ્લા નગરચર્યાએ નીકળ્યા હતા અને ઠેર-ઠેર સ્વાગત સાથે વધામણા કરવામાં આવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ હરીઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટય દિન નિમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરકોટ રોડ ઉપર આવેલા રામ મંદિરથી એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. મોટી હવેલીના પુ. પિયુષબાવાના હસ્તે પ્રસ્થાન કરાયું હતું. સંતો, અગ્રણીઓ, ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાજતે ગાજતે નીકળેલી ભગવાન શ્રી રામલલ્લાની આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી. જયાં ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરમાં મુખ્ય માર્ગો ઉપર જયાં જયાં શોભાયાત્રા પસાર થઈ હતી. ત્યાં મંડપો ઉભા કરી અને જય શ્રી રામના જયઘોષ સાથે સરબત વિતરણ સાથે પ્રસાદ વિતરણ થયું હતું. ભગવાન શ્રી રામલલ્લાની આ શોભાયાત્રામાં આકર્ષક ફલોટ, ઝાંખીઓ, રાસ મંડળી, ધૂન મંડળી જાેડાયા હતા. શહેરના માર્ગો ઉપરથી પસાર થઈ આ શોભાયાત્રા જવાહર રોડ ઉપર આવેલા ચૈતન્ય બાલા હનુમાન મંદિરે સંપન્ન થઈ હતી. શોભાયાત્રામાં આકર્ષક ફલોટ અને જે ઝાંખી જાેડાયા હતા તેઓને પુરસ્કાર આપી સન્માનીત કરાયા હતા. જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારો, સોસાયટીઓમાં પણ અવનવા શણગાર, ધજા, પતાકા લહેરાવાયા હતા અને રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત રામભકત હનુમાનજીના મંદિરો, રામજી મંદિર તથા દેવમંદિરોમાં પણ રામ નવમી મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી અને સવારથી જ પૂજન અર્ચન, આરતી, મહાપૂજા, પ્રસાદ જેવા કાર્યક્રમો ઉત્સાહભેર યોજવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર તથા જીલ્લામાં રામવનમી પર્વની ભાવભેર ઉઝવણી કરવામાં આવી હતી અને જય જય શ્રી રામનો જય ઘોષ ગુંજી ઉઠયો હતો. રામનવમી પર્વની જૂનાગઢ શહેર તથા જીલ્લામાં શાંતીપુર્ણ ઉજવણી થાય તે માટે જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ગુજરાત ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને પોલીસ વિભાગ દ્વારા પ્રસંશનીય કામગીરી કરી હતી.