મારૂતી નંદનના મંદિરે સવારથી જ પૂજન-અર્ચન, આરતી, હનુમાન ચાલીસાના પાઠ, બટુક ભોજન સહિતના કાર્યક્રમો યોજાશે
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલે હનુમાન જયંતિના પાવન અવસરે હનુમાનજી મહારાજના પ્રાગટય દિનની ખુબ જ ભાવપુર્વક, ભક્તિભાવપુર્વક ઉજવણી કરવામાં આવશે અને અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે અને ભાવિકોમાં પણ ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ભગવાન શ્રી રામચંદ્રજીના પરમ ભકત હનુમાનજી મહારાજના પ્રાગટય દિન નિમીતે આવતીકાલ તા.ર૩-૪-ર૦ર૪ મંગળવારના દિવસે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે. જૂનાગઢ શહેરમાં ટીંબાવાડી રોડ ઉપર આવેલા તાત્કાલીક હનુમાનજી મંદિર તેમજ પંચહાટડી ચોકમાં આવેલા હનુમાનજી મંદિર ઉપરાંત શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલા હનુમાનજીના મંદિરોએ આવતીકાલે સવારથી જ પૂજન-અર્ચન, આરતી સહિતના કાર્યક્રમો તેમજ બટુક ભોજનના કાર્યક્રમો યોજાનાર છે. આ ઉપરાંત ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આવેલા સુપ્રસિધ્ધ લંબે હનુમાનજી મંદિરે પણ આવતીકાલે હનુમાન જયંતિની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે અને હનુમાનજી મહારાજને ર૧ હજાર લાડુંનો મહાભોગ ધરવામાં આવશે. આ ઉપરાંત મંગળા આરતી સવારે ૬ વાગ્યે થશે અને મહાપૂજા સવારે ૭ઃ૩૦ કલાકે થશે. તેમજ બપોરના મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. મહંત અર્જુનદાસજી બાપુના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. જૂનાગઢ શહેર ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં આવતીકાલે હનુમાન જયંતિની અનેકવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી થશે અને સવારથી જ ભકતજનોની ભીડ હનુમાનજી મહારાજના દર્શનાર્થે ઉમટી પડશે. હનુમાનજી મહારાજને તેલ, સીંદુર, આંકડાની માળા અને પ્રસાદનું નેવૈદ્ય ધરાવવામાં આવશે અને સર્વત્ર ‘જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ તીહુલોક ઉજાગર રામ દુત અતુલીત બલધામા અંજની પુત્ર પવન સુત નામા’ના ગુંજારવ સાથે હનુમાન ચાલીસાના પાઠ ભાવપુર્વક કરવામાં આવશે.