જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે સવારથી જ પૂજન, અર્ચન, આરતી, બટુક ભોજન સહિતના યોજાયા કાર્યક્રમો : ભાવિકોની દર્શનાર્થે ભારે ભીડ
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે હનુમાન જયંતિની ભકિતભાવ પુર્વક સર્વત્ર ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારથી જ હનુમાનજી મહારાજના મંદિરોમાં વિશેષ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામચંદ્રજીના પરમ ભકત હનુમાનજી મહારાજનો પ્રાગટય દિન એટલે ચૈત્ર સુદ-૧પના હનુમાન જયંતિના પાવન અવસર હનુમાન જયંતિની દર વર્ષે ભાવપુર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે હનુમાન જયંતિના અવસર ઉપર જૂનાગઢ શહેરમાં આવેલા હનુમાનજી મહારાજના મંદિરોમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો જાેવા મળે છે. જૂનાગઢ શહેરના ટીંબાવાડી રોડ ઉપર આવેલા તાત્કાલીક હનુમાનજી મંદિરે આજે સવારથી જ ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા છે. મંદિરના પૂજારીજી દ્વારા પૂજન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. હનુમાનજી મહારાજને તેલ, સીંદુર, આંકડાની માળા અને પ્રસાદ ધરવામાં આવે છે. જૂનાગઢ શહેરમાં આવેલા પંચહાટડી ખાતે આવેલા પંચમુખી હનુમાનજીના મંદિરે પણ સવારથી જ વિવિધ કાર્યક્રમો યોજાયા છે અને ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા છે. આ ઉપરાંત ભવનાથ ખાતે આવેલા સુપ્રસિધ્ધ લંબે હનુમાનજી મંદિરે પણ આજે વહેલી સવારથી જ વિશેષ કાર્યક્રમો મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જૂનાગઢ શહેર ઉપરાંત ગામેગામ આવેલા હનુમાનજીના મંદિરોને અનેરી સજાવટ કરવામાં આવી છે અને વિશેષ પૂજા, બટુક ભોજન સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે અને કષ્ટભંજન દેવ, સંકટ મોચન, હનુમાનજી મહારાજને સર્વેના કલ્યાણની કામના કરવામાં આવી રહી છે.