એર કુલર બદલવા પ્રશ્ને વેપારી અને ગ્રાહક વચ્ચે મામલો બીચક્યો : મોડી રાત્રે પોલીસ ફરિયાદ
જૂનાગઢ શહેરના રાણાવાવ ચોક વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે ઈલેકટ્રીકની એક દુકાને ગ્રાહક અને દુકાનદાર વચ્ચે છુટાહાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા અને આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. દુકાનમાં થતી મારામારી અંગેની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો આગળ વધતો અટકાવ્યો હતો. દરમ્યાન એર કુલર બદલવા પ્રશ્ને વેપારીને માર મારવા અંગે મોડી રાત્રે બે સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હાલ કાળઝાળ ગરમી સતત પડી રહી છે ત્યારે લોકો ગરમીની સામે રાહત મેળવવા માટે ઈલેકટ્રીક ઉપકરણોની ખરીદી કરી રહ્યા છે અને એસી, એરકુલર જેવા ઉપકરણોની મોટાપાયે ખરીદી થતી હોય છે. દરમ્યાન જૂનાગઢના રાણાવાવ ચોક વિસ્તારમાં આવેલ એરકુલર, પંખા, ટયુબલાઈટ સહિતની ઈલેકટ્રીક ચીજવસ્તુઓનું વેંચાણ કરતી એક દુકાને ગઈકાલે સાંજના એક બનાવ બન્યો હતો જેમાં બે યુવાનો એર કુલર બદલવા અને પૈસા પરત લેવા માટે આવ્યા હતા. ત્યારે વેપારી અને ગ્રાહક વચ્ચે વાતચીત ચાલી રહી હતી તે દરમ્યાન કોઈ કારણસર બંને પક્ષે ઝપાઝપી અને ઉગ્ર બોલાચાલી થતા મામલો બીચકયો હતો. વેપારી અને ગ્રાહક વચ્ચે સરાજાહેરમાં મારામારી થઈ હતી જેમાં પંખા સહિતની ચીજવસ્તુઓ લઈને મારામારી થતા બઘડાટી બોલી ગઈ હતી. આ સમયે પોલીસ સ્ટાફ અહીંથી પસાર થતો હોય તેઓએ દુકાને જઈ અને આગળ વધતો મામલો અટકાવ્યો હતો. આ સમગ્ર મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરમાં કેદ થયા છે ત્યારે આ બનાવને પગલે સારી એવી ચકચાર જાગી ઉઠી છે. દરમ્યાન આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર પરેશભાઈ કનૈલાલ ઢાલાણી સિંધી લોહાણાએ આ કામના આરોપી રાહુલભાઈ કતકપરા તથા તેમના ભાઈ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવેલ છે. જેમાં જણાવેલ છે કે, આ કામના આરોપી કુલર બદલવા માટે દુકાને આવેલ અને તે દરમ્યાન ઉશ્કેરાઈ જઈ અને ફરિયાદી તથા સાહેદને ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદના પગલે એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.