ગીર સોમનાથ જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચુંટણી યોજાય તે માટે પોલીસ તંત્ર એકશન મોડમાં, દારૂના ૧૪૦૨ કેસો કરી ૧૧૨૦ આરોપીઓ ઝડપી પાડયા

0

જીલ્લામાં પાસા હેઠળ ૪૦ વ્યક્તિઓને જેલોમાં ધકેલાયા તો ૮રને હદપારી કરવામાં આવ્યા : જીલ્લા પોલીસવડાના નેતૃત્વમાં શાંતિપૂર્ણ માહોલમાં ચુંટણી યોજવા પોલીસ તંત્ર કટીબધ્ધ

ગીર સોમનાથ જીલ્લામાં લોકસભાની ચુંટણી અંતર્ગત ર્નિભયપણે શાંતિના માહોલમાં લોકો મતદાન કરી શકે તે માટે છેલ્લા એક માસની અંદર અસામાજીક તત્વોને જેલની અંદર અને દારૂ, જુગાર, ડ્રગ્સ હેરાફેરી જેવી અસામાજીક પ્રવૃત્તિઓ ડામી દેવા માટે જીલ્લા પોલીસે સપાટો બોલાવતી કડક કાર્યવાહી કરી છે. જે અંગે માહિતી આપતા જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, લોકસભાની ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે એલસીબી, એસઓજી ઉપરાંત જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને અસામાજીક પ્રવૃત્તિઓ ડામી દેવા અને અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત છેલ્લા એક માસની અંદર એલસીબી પીઆઈ એ.બી. જાડેજાના નેતૃત્વમાં તમામ પોલીસ અધિકારીઓ અને સ્ટાફએ જીલ્લાભરમાંથી માથાભારે વ્યકિતઓ તથા અગાઉ ગુન્હાઓમાં સંડોવાયેલ હોય તેવા વ્યક્તિઓ સામે અટકાયતી પગલા લીધેલ છે. જેમાં સી.આર.પી.સી. કલમ ૧૦૭/૧૧૬ મુજબ કુલ ૧૮૫૬, કલમ-૧૦૯ મુજબ કુલ ૫૨, કલમ-૧૧૦ મુજબ કુલ- ૨૮૮૮, કલમ-૧૫૧ મુજબ કુલ-૧૯૧ મળી કુલ ૪૯૮૭ જેટલા શખ્સો સામે પગલા લીધેલ છે. આ ઉપરાંત પાસા ૪૦, હદપાર ૮૨ તથા પ્રોહિબીશનમાં ૮૮૯ મળી કુલ ૧૦૧૧ માથાભારે શખ્સો વિરૂધ્ધ પાસા તથા હદપારીની દરખાસ્ત કરી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત જીલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેંચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા શખ્સો ઉપર વારંવાર દરોડા પાડી દેશી તથા વિદેશી દારૂના કુલ ૧૪૦૨ કેસો કરી ૧૧૨૦ આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે. આ દરોડામાં દેશી દારૂ લી.૪૭૬૧ કી.રૂા.૯૫ હજાર, ઇંગ્લીશ દારૂની ૫૪૭૫ બોટલો કી.રૂા.૫,૫૫,૯૧૦, ૫૦ જેટલા વાહનો કી.રૂા.૩૧ લાખના જપ્ત કરેલ તથા રૂા.૧૦.૩૦ લાખનો અન્ય મુદામાલ મળી કુલ રૂા.૪૭.૮૪ લાખનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. જીલ્લામાં હથીયાર લાયસન્સ ધરાવતા ૪૩૩ વ્યકિતઓ પાસેથી હથીયાર જમા લેવામાં આવેલ છે. ગેરકાયદેસર હથિયાર ધરાવતા ૪ હથીયાર તેમજ ૫ કાર્ટીજ કબ્જે કરી હથિયારધારાના કેસો તથા ગાંજાનો એક કેસ કરવામાં આવેલ છે. ગીર સોમનાથ જીલ્લાની બોર્ડર સંઘ પ્રદેશ સાથે જાેડાયેલી હોવાથી જીલ્લાભરમાં ચૂંટણી અન્વયે કુલ ૧૧ ચેકપોસ્ટ ઉભી કરવાની સાથે એસએસટીની ૧૫ અને એફએસટીની ૧૪ ટીમો પણ કાર્યરત કરવામાં આવેલ છે. આ ચેકપોસ્ટ ઉપર એસ.એસ.ટી. તથા સ્થાનિક પોલીસનો સ્ટાફ રાઉન્ડ ધ કલોક વાહનોનું સઘન ચેકીંગ કરી આદર્શ આચાર સંહિતાનો ભંગ ન થાય તે અંગેની કાર્યવાહી કરી રહી છે. આમ જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચુંટણી યોજાય તે માટે પોલીસ તંત્ર કટિબધ્ધ હોવાની પ્રતિતી કરાવતી કાર્યવાહી કરી રહ્યું છે.

error: Content is protected !!