માળીયાહાટીના તાલુકાના ભંડુરી નજીક હાઈવેની વચ્ચે વાહન રાખી બર્થડે ઉજવનાર છ શખ્સો સામે ગુનો

0

માળીયાહાટીના તાલુકાના ભંડુરી નજીક હાઈવે ઉપર જાહેરમાં બર્થડેની ઉજવણી કરનાર શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, તાજેતરમાં સોશ્યલ મિડીયા ઉપર ભંડુરી નજીક હાઈવેની વચ્ચે કાર તથા બાઈક પાર્ક કરી બર્થડેની ઉજવણી કરતો વિડીયો વાયરલ થયો હતો. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં છ શખ્સો સામેલ હોવાનું સામે આવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વધુ વિગત મુજબ, તાજેતરમાં માળીયાહાટીના તાલુકાના ભંડુરી નજીક આવેલા ઓવરબ્રિજ ઉપર પાંચ-છ યુવાનો કાર અને બાઈકને હાઈવેની વચ્ચે પાર્ક કરી બોનેટ ઉપર પાંચ કેક રાખી આતશબાજી થાય તેવા ફટાકડા ફોડી બર્થડે ઉજવતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. માળીયાહાટીના પોલીસે આ વાયરલ વિડીયો અંગે તપાસ કરતા કાર ઉપર ભંડુરીનો મિત મકવાણા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેના ઘરે જઈ પુછપરછ કરતા તેણે વિડીયમાં જાેવા મળતા યુવાનો પોતાના મિત્રો હોવાનું અને ગઈકાલે જન્મદિવસ હોવાથી બર્થડે સેલીબ્રેટ કરવા ખેંચતાણ કરી હાઈવે ઉપર લઈ ગયા હતા અને ત્યાં કારના બોનેટ ઉપર કેક રાખી ફટાકડા ફોડી બર્થડે ઉજવ્યાનું જણાવ્યું હતું. મિત મકવાણાએ આ વિડીયોમાં કેશોદનો દિવ્યેશ ભરડા, રાજકોટનો ઓમ ગઢવી, ભંડુરીનો વિજય કોળી, રવિ ઉર્ફે બાદશાહ, ગોતાણાના સાગર ચુડાસમા, અને કેશોદનો એઝાઝ ગામેતી હોવાનું જણાવ્યું હતું. આ અંગે માળીયાહાટીનાના હેડકોન્સ્ટેબલ એન.એમ. ધ્રાંગડે ફરિયાદ કરતા પોલીસે આ યુવાનો સામે આઈપીસી ૩૩૬ અને ૧૪૪ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!