જૂનાગઢ શહેરમાં ખલીલપુર ચોકડી નજીક એક ટ્રકે મોટરસાઈકલને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને જેમાં એક યુવાનનું મૃત્યું થયું હતું. આ બનાવ અંગે ટ્રક ચાલક વિરૂધ્ધ અકસ્માત સર્જી અને મૃત્યું નિપજાવવા અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, ઝાલણસર ગામના જયશ્રીબેન બધાભાઈ દવેરા(ઉ.વ.રપ)એ ટ્રક નંબર જીજે-૦પ-એજે-પર૦રના ચાલક સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી જયશ્રીબેન, તેના પતિ બધાભાઈ દેવશીભાઈ દવેરા(ઉ.વ.ર૮) પુત્ર ગૌરવ(ઉ.વ.૩) એમ ત્રણેય જણા મોટરસાઈકલ સીબીઝેડ નંબર જીજે-૧૪-એબી-૯૭૧૩માં સવાર થઈ અને લુવાસર ગામથી ઝાલણસર પોતાના ઘરે જતા હતા અને મોટરસાઈકલ ફરિયાદીના પતિ બધાભાઈ દેવશીભાઈ દવેરા ચલાવતા હોય અને તેઓ જૂનાગઢ ખલીલપુર ચોકડી ખોડીયાર મંદિર પાસે પહોંચતા ટ્રક નં. જીજે-૦પ-એજે-પર૦રના ચાલકએ પોતાના હવાલા વાળો ટ્રક પુર ઝડપે અને બેફીકરાઈથી ચલાવી સામેથી રોંગ સાઈડમાં આવી ફરિયાદી તથા મરણ જનાર બધાભાઈ દેવશીભાઈ તથા ફરિયાદીનો દિકરો ગૌરવ જે મોટરસાઈકલમાં સવાર હતા તે મોટરસાઈકલ સીબીજેડ જીજે-૧૪-એબી-૯૭૧૩ની સાથે પોતાનો ટ્રક ભટકાવી ફરિયાદી તથા મરણ જનારને હડફેટે લઈ ફરિયાદીને તથા ફરિયાદીના દિકરા ગૌરવને તથા ફરિયાદીના પતિ મોટરસાઈકલ ચાલકને શરીરે સામાન્ય તથા ગંભીર ઈજાઓ પહોંચાડતા ફરિયાદીના પતિ મોટરસાઈકલ ચાલક બધાભાઈ દેવશીભાઈ દવેરાનું મૃત્યું નીપજાવી ટ્રક રજી. નં. જીજે-૦પ-એજે-પર૦રનો ચાલક સ્થળ ઉપરથી નાસી જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.