મતદારોને મતદાન મથક પર અનુભવાતી મૂંઝવણો દૂર કરવા જરૂરી જાણકારી અપાઈ
Know Your Polling Station કેમ્પેઈન અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ૧૩૩૫ મતદાન મથકો પર મતદારોને મૂંઝવતી બાબતે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ કેમ્પેઈનમાં ૩૧ હજારથી વધુ મતદારો સહભાગી બન્યા હતા. ઉપરાંત ચુનાવ કી પાઠશાળા માધ્યમથી મતદાન જાગૃતિ કરવામાં આવી હતી. ઘણી વખત મતદાન મથકનું સ્થળ ખબર ન હોવા ના કારણે અથવા તો મતદાન માટે જરૂરી ઓળખના પુરાવા અને એકથી વધુ પોલિંગ સ્ટેશન ધરાવતા પોલિંગ સ્ટેશન પર ક્યાં મતદાન મથકમાં મતદાન માટે જવાનું છે, તેની જાણકારીના અભાવે મતદારો મતદાન મથકે મૂંઝવણ અનુભવતા હોય છે. ત્યારે આ માટે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલા Know Your Polling Station કેમ્પેઈનના માઘ્યમથી આ પ્રકારની મતદારોની તમામ મૂંઝવણો બુથ લેવલ ઓફિસર, સહિતના કર્મચારીઓ દ્વારા દૂર કરવામાં આવી હતી. ઉપરાંત મતદારોને મતદાન મથક ખાતે પ્રાપ્ય સુવિધાઓ ની જાણકારી આપવામાં આવી હતી. સાથે જ મતદાન મથક પર જરૂરી નિદર્શન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરની ટીંબાવાડી પ્રાથમિક શાળામાં આવેલા મતદાન મથક પર પણ આ જ પ્રકારે Know Your Polling Station કેમ્પેઈન હાથ ધરાયું હતું. જુદા જુદા મતદાન મથકો અને મતદાન પ્રક્રિયા વિશે જાણકારી આપવામાં આવી હતી.