પ્રત્યેક વોટ માટે ચૂંટણી પંચની પ્રતિબદ્ધતા : વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોએ પોસ્ટલ બેલેટથી ઘરે બેઠા કર્યું મતદાન

0

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પારદર્શી રીતે વિડીયોગ્રાફી હેઠળ કરાતી મતદાન પ્રક્રિયા

ચૂંટણી તંત્ર જૂનાગઢ જિલ્લાના વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના વોટ લેવા માટે તેમનાં ઘરે ઘરે જઈ રહ્યું છે. જિલ્લાના પાંચે ય વિધાનસભા મતવિસ્તારમાં આ હોમ વોટિંગ અંતર્ગતની કામગીરી કરવામાં આવી રહી છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એક પણ મતદાતા મતાધિકારના ઉપયોગથી વંચિત ન રહે તે માટે પ્રતિબદ્ધ છે. ત્યારે આ નેમ અનુસાર વયોવૃદ્ધ એટલે કે ૮૫થી વધુ ઉંમરના અને દિવ્યાંગ મતદારોને ખાસ હોમ વોટિંગની સુવિધા આપવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લાની ૫ વિધાનસભા મતવિસ્તારમાં વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોએ પોસ્ટલ બેલેટથી ઘરે બેઠા મતદાન કર્યું હતું. જિલ્લામાં ટૂંક સમયમાં આ હોમ વોટીંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ મતદાન પ્રક્રિયા માટે મતદાન અધિકારી, મદદનીશ મતદાન અધિકારી, માઈક્રો ઓબ્ઝર્વર અને સુરક્ષાકર્મી ટીમ દ્વારા કરવામાં આવે છે. આ મતદાનની પ્રક્રિયા પારદર્શી પૂર્ણ કરવા માટે વિડીયોગ્રાફી પણ કરવામાં આવે છે. જિલ્લા ચૂંટણી અધિકારી અનેકલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ ચૂંટણીલક્ષી કામગીરીની સાથે હોમ વોટીંગ સવલત અંતર્ગત વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના મત લેવા માટે ઘરે ઘરે જઈ રહ્યું છે. આમ, પ્રત્યેક વોટ માટે ચૂંટણી પંચની પ્રતિબદ્ધતા છે. ૮૫-માણાવદર વિધાનસભા મતવિસ્તારમાંથી હોમ વોટીંગની સવલતનો લાભ મેળવવા માટે નિયત નમુના ફોર્મ -ડ્ઢ વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદાનરોની ૧૦૪, તેવી જ રીતે ૮૬- જૂનાગઢમાં ૨૨૨, ૮૭- વિસાવદરમાં ૧૯૪, ૮૮ કેશોદમાં ૧૧૧ અને ૮૯-માંગરોળમાં ૧૯૪ અરજીઓ મળી હતી. ટૂંક સમયમાં આ હોમ વોટીંગ ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

“જમાનો કેવો સારો આવ્યો છે, સાહેબો ઘરે બેઠા મત લેવા આવે છે” : હોમ વોટીંગની ચૂંટણી પંચની સુવિધાને સરાહના કરતા વયોવૃદ્ધ મતદારો

ચૂંટણી પંચ દ્વારા વયોવૃદ્ધ એટલે કે, ૮૫ વર્ષથી વધુ ઉંમરના અને દિવ્યાંગ મતદારોને ઘર બેઠા મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, ત્યારે આજે જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં રહેતા ૯૭ વર્ષના નંદુબેન નંદવાણીએ ઘર બેઠા મતદાન કરવાની આ સવલતનો લાભ મેળવ્યો હતો. તેમણે આ હોમ વોટીંગની સવલતને સરાહના કરતાં કહ્યું કે, જમાનો કેવો સારો આવ્યો છે, સાહેબો ઘરે બેઠા મત લેવા માટે આવે છે, ઉંમરની અવસ્થાના કારણે ચલાઈ તેમ નથી. ત્યારે આ સુવિધાના લીધે ઘરે બેઠા મતદાન કરી શકીએ છીએ અને મતદાન મથક સુધી જવું પડતું નથી. તેવા જ એક ૯૫ વર્ષના મતદાતા રંભાબેન ભલાણી જણાવે છે કે, ઉંમરના આ પડાવે ચાલવું મુશ્કેલ છે. ત્યારે ઘર બેઠા મત આપવાની ખૂબ સારી સગવડ છે. તેમણે લોકશાહીના આ મહાપર્વમાં અન્ય મતદારોને પણ જરૂર મતદાન કરવા માટે અપીલ કરી હતી.

error: Content is protected !!