લોકસભાની ચૂંટણીને લઈ જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્ર સાબદુ : બીએસએફના જવાનોનું આગમન

0

આગામી તા.૭ મેના રોજ લોકસભાની ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર હોય તેને લઈને જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે અને તંત્ર સાબદુ બની ગયું છે અને ચુસ્તબંદોબસ્ત માટેની ગોઠવણી કરવામાં આવી રહી છે. દરમ્યાન ગઈકાલે બીએસએફના જવાનોનું આગમન થતા તેનું પોલીસ તંત્ર દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આગામી તા.૭ મેના રોજ જૂનાગઢ લોકસભા તેમજ માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન યોજવામાં આવનાર છે. લોકશાહીનું આ પર્વ શાંતિપુર્ણ રીતે સંપન્ન થાય તે રીતે જૂનાગઢ શહેર અને જીલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. લોકો નિર્ભતાથી અને શાંતિપુર્ણ રીતે મતદાન કરી શકે તે માટે જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટેના અનેકવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલું જ નહી લોકોમાં ભય ફેલાવનારા કે સુલેહશાંતીનો ભંગ થાય તેવા પ્રયાસો કરનારા તત્વો સામે પણ ઘોષ બોલાવવામાં આવી રહી છે. ઉપરાંત ચૂંટણી પર્વને જૂનાગઢ શહેર તથા જીલ્લામાં પોલીસ તેમજ સહયોગી દળનો ચુસ્ત બંદબસ્ત ગોઠવવામાં આવશે. લોકસભાની ચૂંટણી અંતર્ગત બંદોબસ્ત માટે આવેલા બીએસએફના જવાનોનું જૂનાગઢ પોલીસ દ્વારા ગઈકાલે ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!