આગામી ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢમાં : ચૂંટણી સભા સંબોધશે

0

કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સભા માટે તડામાર તૈયારી : ચૂંટણી સભાને લઈને પોલીસ તંત્ર દ્વારા ચુસ્તબંદોબસ્ત

ભારતના વડાપ્રધાન આગામી ગુરૂવાર તા.ર મેના રોજ જૂનાગઢ આવી રહ્યા છે અને તેને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જૂનાગઢ ખાતેનો કાર્યક્રમ યોજાનાર છે અને વડાપ્રધાન કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજીત જાહેર સભાને સંબોધન કરનાર હોય અને તેને લઈને તડામાર તૈયારીઓ પુરજાેશથી ચાલી રહી છે.
લોકસભાની ચૂંટણી ર૦ર૪ના વિવિધ તબક્કાની મતદાનની પ્રક્રિયા યોજાઈ રહી છે અને દેશભરમાં હાલ ચૂંટણી લક્ષી તૈયારીઓ હાથ ધરાઈ છે. ગુજરાતની લોકસભાની બેઠકો માટેનું મતદાન આગામી તા.૭ મેના રોજ થવાનું છે ત્યારે ચૂંટણીના પ્રચાર પડઘમ બંધ થાય તે પહેલા જ ગુજરાતના વિવિધ મથકો ઉપર બે દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવેલ છે અને જે અંતર્ગત આગામી તા.ર મેના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં એક ચૂંટણી સભા યોજવામાં આવનાર છે અને જે અંગેની તૈયારી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢના આંગણે પધારનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ સહિતના મતક્ષેત્રોને આવરી લેતી સભા સંબોધન કરનાર છે. આ સભાને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે અને વડાપ્રધાનના કાર્યક્રમ દરમ્યાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શાનદાર સ્વાગતથી લઈ જુદા-જુદા કાર્યક્રમો યોજાનાર છે. એટલું જ નહી હું છું મોદીનો પરિવારના ટિશર્ટ પણ ધારણ કરવામાં આવશે. અંદાજીત પ૦ હજાર લોકો બેસી શકે તેવી જબરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર ભારે ઉત્સાહીત બનેલ છે અને ભાજપના કાર્યકર્તાઓ, વરિષ્ઠ પદાધિકારીઓની સતત બેઠક ચાલી રહી છે અને જૂનાગઢનો કાર્યક્રમ કેમ ભવ્ય રીતે બને તે માટે તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ જૂનાગઢ શહેરમાં વડાપ્રધાનની ચૂંટણી સભા યોજાનાર હોય અને તેને લઈને પોલીસ તંત્ર પણ સાબદુ બની ગયું છે અને લોખંડી બંદોબસ્ત માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે જે સ્થળે ચૂંટણી સભા યોજાવાની છે તે સ્થળની જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા તેમજ ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી હતી અને કાર્યક્રમના સ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટેના પગલા તેમજ કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયમન વ્યવસ્થિત જળવાઈ તે માટે સ્થળનું નિરીક્ષણ કરી અને જરૂરી સુચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરમાં આગામી ગુરૂવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા હોય અને ચૂંટણી સભાને સંબોધીત કરનાર હોય તેને લઈને કાર્યકર્તાઓમાં અભુતપુર્વ ઉત્સાહની હેલી જાેવા મળે છે.

error: Content is protected !!