જૂનાગઢ શહેરમાં ગઈકાલે સમાજને પ્રેરણારૂપ એક બનાવ બન્યો હતો. જેમાં જુના ભાડુતે એક રૂપિયો પણ પાઘડી ન લીધા વિના જગ્યા તેના માલિકને સોંપી દીધી હતી અને સાથે જ કોમી એકતાનું ઉદાહરણ પણ પુરૂ પાડયું હતું. આ તકે હિન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનો આ બનાવના સાક્ષી બન્યા હતા. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, જૂનાગઢની અજંતા ટોકીઝ પાસે એક કોલસાની લાતી હતી. જગ્યાના માલિક યુસુફભાઇ હતા. અને કિર્તીભાઇ મનસુખલાલ જસાણી તેના ભાડૂઆત હતા. આ ૧૫૦ વારના ખુલ્લા પ્લોટનું દર મહિને ભાડું રૂા.૧૪૦ હતું. કિર્તીભાઇ ૭૦ વર્ષની વયે પહોંચતાં તેઓ વેપારમાંથી નિવૃત્તિ લેવા માંગતા હતા. તેમને સંતાનમાં ૩ પુત્રીઓ સાસરિયે છે. તેમણે એક રૂપિયોય પાઘડી લીધા વિના યુસુફભાઇને આ જગ્યા ખાલી કરી આપી. તેમણે કહ્યું, આ જગ્યામાંથી હું સારા એવા રૂપિયા કમાયો છું. આજથી ૨૦ વર્ષ પહેલાં એક બિલ્ડરે તેમને આ જગ્યા આપવા બદલ ૧૫ લાખ રૂપિયાની ઓફર કરી હતી. એ વખતે તેમણે કહ્યું હતું કે, હું જ્યારે ધંધો બંધ કરીશ ત્યારે ભગવાન મહાવીર સ્વામીના નિયમ મુજબ એકપણ રૂપિયો લીધા વગર આપી દઇશ. એજ વાત પણ તેઓ કાયમ રહ્યા. આ સાથે તેમણે જગ્યાના માલિકને શાલ ઓઢાડી હાર પહેરાવી આભાર પણ માન્યો. કિર્તીભાઇની વગર પાઘડીએ જગ્યા ખાલી કરવાની વાત જાણી તેમની બાજુમાં ૧૦૦ વાર જગ્યાના ભાડૂઆત બિપીનભાઇ ભટ્ટે પણ એ જગ્યા એક રૂપિયો લીધા વિના ખાલી કરી આપી. જેને વેપારી આગેવાનો અને મુસ્લીમ સમાજના આગેવાનોએ પણ વધાવી લીધી.