કૃષિ યુનિવર્સિટી ખાતે અલગ-અલગ ઝોન વાઇઝ પોલીસ બંદોબસ્તની ફાળવણી : સભા સ્થળ, હેલીપેડ, કોનવે, રોડ-રસ્તા, ધાબા પાર્કિંગ, સ્ટેજ સહિતના પોઈન્ટ ઉપર ગોઠવાયું સુરક્ષા ચક્ર
જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ લશ્કરી છાવણીમાં ફરેવાઈ ગયું હોય તેમ લાગે છે. આગામી તા.રજી મે અને ગુરૂવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભા યોજવામાં આવનાર છે અને જેને લઈને સુરક્ષાના ભાગરૂપે તકેદારીના પગલા અંતર્ગત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. વિશાળ ડોમ અને સમીયાણું બનાવવામાં આવેલ છે અને કાર્યક્રમને લઈને તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પોલીસ ફોર્સના જવાનો ઠેર-ઠેર જાેવા મળી રહ્યા છે.
દેશભરમાં લોકસભાની ચૂંટણીને લઈને મતદાનની પ્રક્રિયાના તબક્કાઓ પુર્ણ થઈ રહ્યા છે. આગામી તા.૭મેના રોજ ગુજરાત સહિત અન્ય રાજયોમાં પણ મતદાનની પ્રક્રિયા યોજાનાર છે અને ચૂંટણીના આ માહોલમાં ઠેરઠેર જાહેર સભા તેમજ નેતાઓની ચૂંટણી સભા અને ચૂંટણી પ્રચાર તંત્ર વેગવાન બન્યું છે ત્યારે જૂનાગઢના આંગણે પણ આગામી તા.રજી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભા યોજવામાં આવનાર છે અને જે અંગે તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં બંદોબસ્ત માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે. આ અંગે વધુમાં મળતી વિગત અનુસાર, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આગામી તા.રજી મે ગુરૂવારે બપોરે ર કલાકે કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં એક ચૂંટણી સભા યોજાનાર છે અને તેમાં ૪૦ હજારથી વધારે લોકો ઉમટી પડે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેને લઈ વિશાળ સમીયાણો ઉભો કરવામાં આવેલ છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જયાં ચૂંટણી સભા યોજાવાની છે તેવા કૃષિ યુનિવર્સિટીના મેદાન ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. જૂનાગઢ ઉપરાંત અમરેલી, ગીર-સોમનાથ, પોરબંદર સહિતના જીલ્લામાંથી પોલીસ કુમક બોલાવવામાં આવી છે. આ ઉપરાંત ૭ એસપી, ૧પ ડીવાયએસપી, રર પીઆઈ, ૧૧૭ પીએસઆઈ, ૧૦પ૧ પોલીસ સ્ટાફ, ૧૮૪ એસઆરપી જવાનો, ૩ ગાર્ડ, ૬૦૦ જેટલા હોમગાર્ડ, જીઆરડી જવાન સહિતનો રરપ૦થી વધુનો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જાહેર સભા માટે ગોઠવવામાં આવેલ છે અને ગઈકાલે વિવિધ ઝોન વાઇઝ પોલીસ બંદોબસ્તની પણ ફાળવણી કરવામાં આવી હતી.