ચૂંટણી લડતા ઉમેદવાર કરતા નેતાગીરી ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા મતદારને કરાતી હાંકલ
લોકસભાની ચૂંટણી ર૦ર૪નો જંગ બરાબરનો જામ્યો છે. ચૂંટણી માટેના બે તબક્કા યોજાઈ ગયા છે અને બાકીના તબક્કાનું મતદાન યોજવા જઈ રહ્યા છે. ત્યારે આગામી તા.૭ મેના રોજ ખાસ કરીને ગુજરાતની રપ બેઠકો ઉપર ચૂંટણી યોજાવાની છે અને જે અંગેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લોકશાહીના પર્વ એવા લોકસભાની ચૂંટણી પર્વ આ વખતે અનોખો ઈતિહાસ રચવા જઈ રહ્યો હોય તેમ લાગે છે. ર૦૧૪થી ર૦ર૪ સુધીના સમયગાળા એટલે કે ૧૦ વર્ષના સમય દરમ્યાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્રની સરકારની કામગીરીની દેશની જનતા તુલના કરી રહી છે. તેવા સંજાેગોમાં નરેન્દ્ર મોદી ફરી એકવાર એટલે કે ત્રીજી વખત હેટ્રીક નોંધાવવા જઈ રહ્યા છે અને આ જીતની હેટ્રીક માટે પોતાની પ્રતિષ્ઠા દાવ ઉપર લગાડી છે. ખાસ કરીને ‘મોદી સરકારની ગેરંટી’ના સુત્રોથી જનતાને વિશ્વાસ સાથે કરેલી કામગીરીનો અહેસાસ કરાવવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ સૌથી મોટા પક્ષ ગણાતા કોંગ્રેસ પાસે લોકસભાની પ૪૩ બેઠકો પૈકી માત્ર ૩૦૦ની આસપાસ ઉમેદવાર મુકી શકયા છે અને અન્ય પક્ષો સાથે ગઠબંધન કરવામાં આવ્યું છે. આમ જાેવા જઈએ તો આ વર્ષે સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે ભાજપ ઉભરી આવેલ છે અને સૌથી વધારે ફંડ પણ ભાજપને મળ્યું છે. ચૂંટણી જીતવા માટેની તરકીબો રાજકીય પક્ષો અજમાવી રહ્યા છે. બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ તો હીન્દુવાદ વિકાસ, રામરાજય સહિતના મુદ્દાઓ આ ચૂંટણીમાં જાેવા મળે છે. તો ઘણા સ્થળોએ કથિત નેતાઓના વિવાદે બળતામાં ઘી હોમ્યું છે. ઉનાળાની સખ્ત ગરમી એટલે કે હીટવેવ જેવી સ્થિતિ વચ્ચે ઉમેદવારો તેના કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચાર રૂપી પરસેવા પાડી રહ્યા છે. આગામી પાંચ તારીખ સુધી ગુજરાત ભરના નેતાઓની ચૂંટણી સભાઓના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. રેલી, સભા, લોકસંપર્ક જેવા કાર્યક્રમો યોજાશે. આમ લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર તંત્ર જાેરશોરથી ચાલી રહ્યું છે. ગુજરાતની લોકસભાની બેઠકો અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે ૭ મેના રોજ મતદાન થવાનું છે અને તેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વિશેષમાં ચૂંટણીમાં દરેક પક્ષ અમે આમ કરશું અને તેમ કરશુંના વચનો તો દર વખતે આપતા હોય છે અને આ વખતે પણ આપી રહ્યા છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં એક બાબત ઉડીને આંખે વળગે તેવી એ રહી છે કે લોકસભાની ચુંટણીના પ્રચારમાં જયારે મતદારો પાસે જવાનું થાય ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્ર સરકારની કામગીરીની ઝલક દર્શાવે છે. ઉપરાંત મતદારોને વિવિધ મુદ્દાઓ દર્શાવી અને અંતમાં એવું પણ કહેવામાં આવે છે કે, જાે ઉમેદવાર સામુ ન જાેતા આપણે તો કેન્દ્રના હાથ મજબુત કરવા માટે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્પોટ કરવાના ભાગ રૂપે અહીના ઉમેદવારને વિજેતા બનાવવાના છે તેવું હાલ થઈ રહ્યું છે. ટુંકમાં લોકસભાની આ વખતની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા ઉપર ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે તેમ કહીયે તો અતિશ્યોકતી નહી ગણાય.