જૂનાગઢ, અમેરલી અને પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલી સભા : કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ
લોકસભાની ચૂંટણી અંતર્ગત આવતીકાલે જૂનાગઢના આંગણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવેલ છે. આવતીકાલે બપોરે અઢી વાગે કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે ચૂંટણી સભા યોજાશે. જેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન જયારે જૂનાગઢના આંગણે આવી રહ્યા હોય અને લોકસભાની ચૂંટણી અંતર્ગત ચૂંટણી સભા યોજવામાં આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. તો બીજી તરફ વડાપ્રધાનની આવતીકાલની જૂનાગઢ ખાતેની સભાને લઈને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા માટેના પગલા લેવામાં આવ્યા છે અને તંત્ર સાબદુ બની ગયું છે. આવતીકાલે એટલે કે તા.ર ને ગુરૂવારે બપોરે અઢી વાગ્યે કૃષિ યુનિવર્સિટી ખાતે જૂનાગઢ, અમરેલી, પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગી જાહેર સભાને સંબોધન કરનાર છે અને આ સભાને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સુરક્ષા માટેના વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની રાહબરી હેઠળ ઝોન વાઈઝ બંદબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ જૂનાગઢ શહેર અને જીલ્લાના સંગઠનો દ્વારા તડામાર તૈયારીને ઓપ આપવામાં આવી રહ્ય છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવતીકાલે જૂનાગઢ ખાતે યોજાનારી સભાને લઈને વિશેષ જવાબદારી સંભાળનાર સુભાષ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટેના અનેક પગલા લેવામાં આવ્યા છે અને પોલીસ હાઈ એલર્ટ રહી છે.
ગુજરાતની ર૬ પૈકી રપ લોકસભાની બેઠકનું આગામી તા.૭ મેના રોજ મતદાન થનાર છે ત્યારે વિવિધ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારને લઈને ચૂંટણી સભાના આયોજનો કરવામાં આવી રહ્યા છે. આવતીકાલે જૂનાગઢ ખાતે પણ લોકસભાની ત્રણ બેઠકના ભાજપના ઉમેદવારોને આવરી લેતી ચૂંટણી સભા યોજાઈ રહી છે ત્યારે વિજય વિશ્વાસ ચૂંટણી સભામાં ત્રણેય જીલ્લાના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી ધારણા છે. દેશના વડાપ્રધાન જયારે લોકસભાની ચૂંટણી અંતર્ગત ચૂંટણી સભાને સંબોધન કરવા માટે પધારી રહ્યા હોય ત્યારે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહની હેલી ઉઠવા પામી છે અને ચૂંટણી સભામાં ૪૦ હજારથી વધારે લોકો ઉમટી પડે તેવી ધારણા સાથે સમીયાણો લગાવવામાં આવેલ છે. જાેકે બીજી તરફ કાળઝાળ ગરમીમાં કેટલી મેદની થાય છે તે માટે પણ સવાલો ઉઠી રહ્યા છે. લોકસભાની ચૂંટણીના અનુસંધાને આજે વડાપ્રધાનની ચૂંટણી સભાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આવતીકાલે જૂનાગઢ ખાતે યોજાનારી ચૂંટણી સભાના કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.