તા.૭ મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વિકાસના બદલે વિવાદના મુદ્દા ગુંજતા રહ્યા

0

વિવાદિત નિવેદનોને પગલે ચૂંટણી પ્રચારમાં ફકતને ફકત વિરોધ-દેખાવોના દ્રશ્યો જવા મળ્યા

આગામી તા.૭ મેના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતની કુલ રપ બેઠક ઉપર મતદાન થવાનું છે અને ચૂંટણી આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ચૂંટણી લક્ષી તૈયારી જાેરશોરથી અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે તો બીજી તરફ આ વખતની લોકસભાની ચૂંટણીમાં ખાસ કરીને ગુજરાતની મોટાભાગની બેઠકો ઉપર પ્રજા હિત કે વિકાસના કાર્યોને બદલે વિવાદના મુદ્દા અગ્રસ્થાને રહ્યા છે અને નેતાઓ દ્વારા થયેલા નિવેદનોના પડઘા ચોમેર ગુંજી ઉઠ્યા હતા અને આ વિરોધના સુર હજુ મતદાન સુધી યથાવત રહેશે તેમ મનાઈ છે.
લોકસભાની ચૂંટણી અંગેનું રણશીંગું ફુંકાયું છે અને જયારથી ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો અને જે તે બેઠકના ઉમેદવારોના નામાવલી જાહેર થઈ ત્યારથી જ આ વખતે એક યા બીજા કારણોસર વિવાદ સતત થતા રહ્યા છે. ગુજરાતની કેટલીક બેઠકો ઉપર ઉમેદવારોની પસંદગીથી લઈને જુદા-જુદા અસંતોષ ખાસ કરીને ભાજપ પાર્ટીમાં જાેવા મળ્યા હતા. આ દરમ્યાન રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રીય સમાજમાં વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો અને પરષોતમ રૂપાલાને હટાવવાની માંગ સાથે આંદોલન હાથ ધરવામાં આવ્યું. ક્ષત્રીય સમાજનું આંદોલન એકલા સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત નહી પરંતુ રાજય બહાર પણ દેશના અન્ય ભાગોમાં છવાયેલું રહ્યું. ભાજપના વરિષ્ઠ નેતાઓએ એટલે હાઈકમાન્ડથી લઈ અને ટોચના નેતાઓએ ડેમેજ કંટ્રોલ માટેની કવાયતો હાથ ધરી પરંતુ આ કવાયતો એકંદરે નિષ્ફળ રહી છે અને એટલું જ નહી ક્ષત્રીય રાજપુત સમાજ દ્વારા આંદોલન જાેરશોરથી ચાલી રહ્યું છે અને એક સમયે ફકત રૂપાલાનો વિરોધ હતો પરંતુ રૂપાલાને હટાવવામાં ન આવતા હવે જયાં જયાં ભાજપના ઉમેદવાર છે ત્યાં ત્યાં તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જાેકે રાજપુત ક્ષત્રીય સમાજ દ્વારા જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં ક્ષમતા સયમ જાળવવામાં આવ્યો છે. સરકારની કોઈ પ્રોપર્ટીને નુકસાન કરવું કે તોફાનો કરવા એવી બધી બાબતોથી આંદોલનકારીઓ દુર રહ્યા છે અને એક નિશ્ચિત ગતીએ તેઓનું આંદોલન ચાલી રહ્યું છે. રાજપુત ક્ષત્રીય સમાજ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં સંમેલનો, રથ ફરવો જેવા કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. અનેક પ્રયાસો કરવા છતાં પણ તેઓનું આંદોલન સમાવી શકાયું નથી અને શાંત કરી શકાયું નથી તે પણ એટલી જ હક્કિત છે અને આ બાબતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વાકેફ છે જ અને તેનો અણસાર પણ ગઈકાલે સભામાં જાેવા મળ્યો હતો. સુરેન્દ્રનગરમાં ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાઈ હતી જેમાં સુરેન્દ્રનગર ઉપરાંત રાજકોટ, ભાવનગર લોકસભાના ઉમેદવારના પ્રચાર માટે આ સભા હતી પરંતુ મંચ ઉપર રાજકોટના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાની ગેરહાજરી જાેવા મળતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્ય દરમ્યાન સુરેન્દ્રનગર, ભાવનગર બેઠકના ઉમેદવારને જીતાડવા આહવાન કર્યું હતું પરંતુ પરષોતમ રૂપાલાનો ઉલ્લેખ જ ટાળ્યો હતો. દરમ્યાન પરષોતમ રૂપાલાના નિવેદનથી જે વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો હતો તે હજુ અંકબધ્ધ છે. વાત આટલેથી અટકતી નથી પરંતુ વિસાવદર ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ભૂપત ભાયાણી તેમજ કિરીટ પટેલ દ્વારા પણ કરેલી ટિપ્પણીનો વિરોધ ઉઠયો હતો. આ બાબતો હજુ ચર્ચાસ્પદ બનેલી રહી હતી અને ત્યાં જ રાહુલ ગાંધીએ પણ કેટલાક નિવેદનો કરતા તેની સામે પણ વિરોધ ઉઠવા પામ્યો હતો. ટુંકમાં આ વખતના લોકસભાની ચૂંટણી જંગમાં કયાંકને કયાંક એક યા બીજા કારણસર કથિત નેતાઓના વાણી વિલાસ, અભદ્ર ટિપ્પણી અને વિવાદીત નિવેદનોને કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતની લોકસભાની બેઠક ઉપર વિકાસના મુદ્દાને બદલે વિવાદના મુદ્દાઓ વધારે જાેરશોરથી ગુંજી ઉઠયા છે.

error: Content is protected !!