ફર્સ્ટ ટાઈમ વોટર, સિનિયર સિટીઝન સહિતના લોકોએ ૩ કિમીની દોડ પૂર્ણ કરી : કલેકટરશ્રી, કમિશનરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીઓએ દોડી તા.૭ મી મે એ અચૂક મતદાનનો આપ્યો સંદેશ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતેથી મતદાન જાગૃતિ અર્થે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજિત ‘રન ફોર વોટ‘ માં ફર્સ્ટ ટાઈમ વોટર, સિનિયર સિટીઝન સહિત ૬૦૦થી વધુ લોકોએ દોડ લગાવી હતી અને તા.૭મી મે અચૂક મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો. આ દોડને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, કમિશનર શ્રી ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાને ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો હતો. ઉપરાંત આ અધિકારીશ્રીઓ રન ફોર વોટમાં જોડાઈ તા.૭મી મેએ અચૂક મતદાનનો સંદેશ આપ્યો હતો. કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમથી શરૂ થયેલી આશરે ૩ કીમીની દોડ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે પૂર્ણ થઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ આ “રન ફોર વોટ”ના પ્રારંભ પૂર્વે સંબોધતા જણાવ્યું કે, તા.૭મી મે ભાઈઓએ એકલા મતદાન ન કરવા જતા પરિવારને સાથે લઈને મતદાન માટે જવુ. ખાસ કરીને મહિલાઓની મતદાનમાં ભાગીદારી જરા પણ ઓછી ન રહે તે માટે બહેનોએ પણ સહ પરિવાર મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવી. તેવો અનુરોધ કરતા કલેક્ટરશ્રીએ કહ્યું કે, સ્વીપ અંતર્ગત ખૂબ મોટા પાયે મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. ત્યારે લોકોના મતાધિકારનો ઉપયોગ થકી લોકતંત્ર મજબૂત બનશે. તેમણે આ લોકશાહીના પર્વમાં જૂના રેકોર્ડ તોડી વિક્રમી મતદાન માટે આહ્વાન કર્યું હતું. આ રન ફોર વોટમાં નિવાસી અધિક કલેકટર શ્રી એન. એફ. ચૌધરી, મદદનીશ ચૂંટણી અને પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર શ્રી અજય ઝાપડા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વાઢેર, સ્વીપના નોડલ અધિકારી લતાબેન ઉપાધ્યાય, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ગૌરાંગ નરે સહિતના અધિકારીઓ જોડાયા હતા.