જૂનાગઢ જીલ્લાના વિસાવદરથી માણંદીયા રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે મોટરસાઈકલને હડફેટે લેતા યુવાનનું ગંભીર ઈજા થવાના કારણે મૃત્યું થયું છે. મૃતક યુવાન ધો.૧૨ની પુનઃ પરીક્ષા માટે તૈયારી કરતા વિસાવદરના આશાસ્પદ યુવાનનું એક અકસ્માતમાં મૃત્યું થયું છે. પોતાના પિતાને વાડીએ ખેતીકામમાં મદદ માટે જતા રસ્તા ઉપર છકડો રીક્ષા સાથે અથડાતા ગંભીર ઈજા સાથે મૃત્યું થયેલ છે. ભોગ બનનાર જેનીલ ગેડિયા એક એથ્લેટ હતો અને સ્પોર્ટસ ક્વોટાની શીટ ઉપર રાષ્ટ્રની સેવા માટે કાર્ય કરવાના વિચારો ધરાવતો આ નવયુવાન હતો. વિવિધ દોડની સ્પર્ધામાં ઘણી સિદ્ધીઓ પ્રાપ્ત કરી હતી. ખેલ મહાકુંભમા પણ વિસાવદર તાલુકાનું અને માંડાવડ સંકુલનું પ્રતિનિધિત્વ કરેલ હતું. ગિરનાર આરોહણ સ્પર્ધા તેમજ જૂનાગઢ પોલીસ આયોજીત ડ્રગ્સ મેરેથોન દોડમાં પણ સ્પર્ધક તરીકે સારો દેખાવ કર્યો હતો. તેમના નિધનથી સમગ્ર વી.ડી.પટેલ શાળાના પ્રિન્સીપાલ તથા સ્ટાફે ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ તેના માર્ગદર્શક વલ્લભભાઇ નાકરાણીએ એક ઉમદા ઉભરતા ખેલાડીની વિસાવદર તાલુકાને ન પૂરાઇ એવી ખોટ પડી છે તેમ જણાવ્યું હતું. વધુમાં આ બનાવ અંગે મૃતક યુવાનના પિતા લાલજીભાઈ ભીખુભાઈ ગેડીયાની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.