સોમનાથ આસપાસ તીર્થયાત્રા સાથે દરિયાની મોજમજાની અનોખી અનુભુતિ
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ઉનાળુ વેકેશન, કાળઝાળ ગરમી અને સમર પ્રવાસના ક્રેઝને કારણે સોમનાથ અને સોમનાથના દરિયા કાંઠે પ્રવાસીઓ ઉમટયા છે. કોઈ દરિયામાં પગ ઝબોળે કોઈ સ્નાન પણ કરે પરંતુ મોટાભાગના કિનારા ઉપર કેમલ સ્વારી, હોર્ષ રાઈડીંગ, સી-સેલ્ફી અને પ્રવાસની સ્મૃતિરૂપ ફોટોગ્રાફી કરે કે પડાવે તો કોઈ શાંતચિતે પરિવાર સાથે સાગર કિનારે બેસી અલકમલક વાતો કરે કે નાસ્તા કે પાણીપુરી ઝાપટે. સોમનાથના મોટાભાગના અતિથીગૃહો લગભગ હાઉસફુલ રહે છે. સોમનાથ મુકામ રાખી કેટલાક પ્રવાસી પરિવારો સાસણ સિંહ દર્શન અને દિવ તથા તુલસીશ્યામ તરફ પ્રયાણ કરે છે. સોમનાથ દરિયા કિનારે અને મંદિર આસપાસ સુરજના આકરા તાપ સામે રક્ષણ કવચ આપતા ગોગલ્સ ચશ્મા વેચનારાઓ, માથા ઉપર તાપ ન લાગે તે માટે ભાત-ભાતની કેપ વેંચનારાઓ, ગરમીનું અમૃતપીણું એટલે લીલા નાળીયરનું પાણી વેંચનારાઓ, શેરડીના રસના ચીચોડાઓ ધમધમી રહ્યા છે. પીવાના પાણીની ઠંડી બોટલો તો દિવસની ઢગલાબંધ વેંચાય છે. પ્રસાદ ભોજનાલયમાં લાંબામાં લાંબી લાઈનો લાગે છે. આવા આકરા તાપમાં પરપ્રાંતના આબાલ-વૃધ્ધ તીર્થયાત્રીઓનો સમુહ દિવસભર સોમનાથ આવતો રહે છે. પર્યટકો પોતાના સંતાનો કે પરિવારજનોને કેમલ સ્વારી કે હોર્ષ સ્વારી કરાવી વેકેશનનો આનંદ માણે છે. પર્યટકોને કારણે રીક્ષા ધારકોને તડાકો પડયો છે. કારણ કે સોમનાથ રેલ્વે સ્ટેશન છેલ્લા બે વરસથી રી-ડેવલોપમેન્ટ કારણે બંધ છે. જેથી પ્રવાસીઓને વેરાવળ રેલ્વે સ્ટેશનથી રીક્ષામાં વેરાવળથી સોમનાથ આવવું પડે છે. ટુર સંચાલકોને તથા ટ્રાવેલ્સ બુકીંગ એજન્ટોને પણ આ સિઝનમાં સારો આશાવાદ છે. તો સોમનાથ મંદિર આસપાસ ચંદન-કંકુના તિકલ કરનારાને સારી રોજીરોટી મળી રહેતી હોઈ જેથી મોટો સમુદાય સોમનાથ મંદિર પાસે કાયમી ઉમટી રહે છે. દરમ્યાન સોમનાથના દરિયામાં દરિયાની મોજ માણતા વેકેશનમાં તણાઈ ડુબી જવાના અને મરણ થવાના અનેકો બનાવો નોંધાયા છે. જેમાં મોટાભાગના પ્રવાસીઓ ભોગ બને છે અને દરિયામાં ચોમાસા પુર્વેનો કરંટ હોય છે અને જાેખમી હોય છે માટે દરિયામાં પગ બોળવા કે સ્નાન કરવા જવું નહી અને તે જાેખમી પણ છે અને જેને માટે સરકાર તરફથી જાહેરનામું પણ કાયમી ધોરણે પ્રવાસીઓની સલામતી માટેનું છે તેનું પાલન કરવું જરૂરી છે.