ગિરનાર પર્વત ઉપર આવેલ માળી પરબની જગ્યા ખાતે બાળકને ખીણમાં ફેંકી દેવાના બનાવ અંગે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ

0

જૂનાગઢ નજીક આવેલા ગિરનાર ક્ષેત્રમાં ખાસ કરીને ગિરનારના પર્વત ઉપર ર૩૦૦માં પગથીયે માળી પરબની જગ્યા નજીક બનેલા એક બનાવમાં આ જગ્યામાં ચોરી કરવાના ઈરાદે આવેલા અજાણ્યા શખ્સે ૧૪ વર્ષના બાળકને ખીણમાં ફેંકી દેવાના બનાવને પગલે સનસનાટી મચી જવા પામી છે. જાેકે ખીણમાં ફેંકી દેવાયેલા આ બાળકનો ચમત્કારી બચાવ થયો હતો. દરમ્યાન અજાણ્યા શખ્સ વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી અને આ શખ્સને ઝડપી લેવાનો ચક્રો ગતિમાન કર્યા છે.
આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ગરવા ગિરનાર ઉપર માળી પરબ પાસે ર૩૦૦ પગથીયા ઉપર આવેલા રામજી મંદિરના મહંત કૃષ્ણદાસ બાપુ ગુરૂ રામેશ્વરદાસ અમદાવાદ કામ માટે ગયા હતા ત્યારે તેમના માતા સરીતાદેવી અને મંદિરમાં છેલ્લા દોઢેક મહિનાથી રહેવા આવેલો સીતાપુરનો પુનિત સરવનસિંગ(ઉ.વ.૧૪, યુપી) સુતા હતા ત્યારે મધરાતે સફેદ શર્ટ પહેરેલો એક શખ્સ મંદિરમાં ચોરી કરવાના ઈરાદે ઘુસ્યો હતો ત્યારે પુનિતસિંગ જાગી જતા તેને માર મારીને ઉંચકીને તસ્કરે બાળકને મંદિરની પાછળ આવેલી ખીણમાં ફેંકી દીધો હતો અને ભાગી ગયો હતો. દરમ્યાન આ બનાવ અંગેની જાણ થતા નજીકમાં જ દુકાન ધરાવતા વિજયભાઈ ગોસ્વામી નામના યુવાને પોલીસને જાણ કરી હતી અને જેને લઈને ભવનાથ પીએસઆઈ એમ.કે. રાઠોડ સહિતનો સ્ટાફ ગિરનાર પર્વત ઉપર દોડી ગયો હતો અને રાતે અંધારામાં બાળકને શોધવા માટે રેસ્કયુ શરૂ કર્યું હતું. દરમ્યાન સદનસીબે બચી ગયેલો બાળક લોહી લુહાણ હાલતમાં સવારે ૪ વાગ્યાના અરસામાં ઉપર ચડી આવતા તેને ગિરનાર ઉપર ડોળી વાળાની મદદથી નીચે ઉતાર્યો હતો અને સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. ભોગ બનેલ તરૂણે જણાવ્યું હતું કે, તે તથા ૯૦ વર્ષના વૃધ્ધ માળી પરબની જગ્યામાં સુતા હતા ત્યારે મંદિરમાં અવાજ થતા આ બાળક જાગી ગયો હતો અને અજાણ્યા શખ્સ પાસે ગયો હતો તો તેણે આ બાળકને ઉંચકીને ખીણમાં ફેંકી દીધો હતો. દરમ્યાન માંડમાંડ ૭૦ ફુટ ઉંડી ખીણમાંથી અંધારામાં ઉપર આવીને વિજયભાઈની દુકાને પહોંચ્યો હતો અને જયાં તેમને હક્કિત જણાવી હતી અને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે વિજયભાઈ ગોસ્વામીએ જણાવેલ હતું કે માળી પરબથી ર૦૦ પગથીયાના અંતરે મારી દુકાન આવેલ છે અને રાત્રે ૧૧ઃપ૦ કલાકે મારા માણસનો ફોન આવ્યો હતો અને જણાવેલ કે માળી પરબની જગ્યામાં છેલ્લા ત્રણ મહિનાથી આવેલ મધ્યપ્રદેશના કિશોરને જગ્યામાં ચોરી કરવા આવેલા શખ્સે ખીણમાં નીચે ફેંકી દઈ નાસી ગયો છે અને આ છોકરો લોહીલુહાણ હાલતમાં ૭૦ ફુટ ઉંડી ખીણમાંથી ઉપર ચડીને દુકાને આવ્યો છે. આ ઘટના અંગે જાણ થતા તેઓએ પોલીસ તેમજ વન વિભાગ તેમજ મંદિર આસપાસની દુકાને જાણ કરી હતી અને બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દરમ્યાન ર૩૦૦ પગથીયે બનેલા બનાવ અંગે કૃષ્ણદાસ ગુરૂ રામેશ્વરદાસ સાધુ રહે.માળી પરબની જગ્યા ર૩૦૦ પગથીયે વાળાએ અજાણ્યા ઈસમ પાતળા બાંધાનો જેની માથે ટોપી પહેરલ હતો તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. તસ્કરને ઝડપી લેવા માટે ટેકનિકલ સોર્સ તેમજ સીસીટીવી ફુટેજની મદદ લઈ તપાસ ચાલી રહી છે. ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઈ મનિષ રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

error: Content is protected !!