ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી તોબા પોકારાવી રહી છે અને આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેમ અંગ દઝાડતી ભીષણ ગરમીનો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે રાજયમાં હિટ સ્ટ્રોક સહિતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થવા લાગ્યો છે અને છેલ્લા ચારેક દિવસમાં ૧૫ લોકોના મોત નિપજયા છે.
ગુજરાતના અનેક શહેરોમાં આકરો ઉનાળો તાપમાનનો રેકોર્ડ તોડી રહ્યો છે અને પારો ૪૫ ડિગ્રીને પણ વટાવી રહ્યો છે. ચામડી બાળી નાખતી ભીષણ ગરમીમાં હિટ સ્ટ્રોક જેવા કેસોમાં એકાએક વધારો થયો છે.
વડોદરા, ભાવનગર, સુરત સહિતના શહેરોમાં છેલ્લા ચાર દિવસમાં ૧૫ લોકોના કાળઝાળ ગરમીના કારણે મોત નિપજયા હોવાનું બહાર આવ્યું છે. રાજયના આરોગ્ય વિભાગ દ્વારા હિટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસોમાં હજુ ગરમીમાં કોઇ રાહત મળે તેવી શકયતા ન હોવાની આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને બપોરના સમયે બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા, વધુ માત્રામાં પાણી પીવા સહિતની સલાહ આપવામાં આવી રહી છે.
અમદાવાદને લાગે વળગે છે ત્યાં સુધી દરરોજ હિટ સ્ટ્રોકના સરેરાશ ૮૦ જેટલા કેસ નોંધાઇ રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગ અને ઓઝોનનું સ્તર ઘટતા સૂર્યના કિરણો સીધા જ ધરતી પર પડી રહ્યા હોવાથી આકરા તાપમાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. રાજયમાં સર્વત્ર તાપમાનનો પારો ૪૦ ડિગ્રીથી વધી જ ગયો છે અને સુરેન્દ્રનગર, અમરેલી, અમદાવાદ સહિતના શહેરોમાં તો ૪૫ ડિગ્રીને પણ વટાવી ગયો છે. એકાદ ડઝન જેટલા શહેરોમાં પારો ૪૩ ડિગ્રી કે તેથી વધુ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુ આવતા દિવસોમાં ઉંચા તાપમાનમાં કોઇ રાહત મળવાની સંભાવના નકારવામાં આવી છે. આ સ્થિતિમાં લોકોને હજુ કાળઝાળ ગરમી અને હિટવેવની પરિસ્થિતિનો જ સામનો કરવો પડી રહયો છે.
ગુજરાત સહિત દેશભરનાં વિવિધ રાજયોમાં ભીષણ ગરમીનો હાહાકાર છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ૭ રાજયોમાં હજુ ૨૫ મે સુધી હિટવેવની સ્થિતિમાંથી કોઇ રાહત નહીં મળવાની આગાહી કરી છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉતરપ્રદેશ, ગુજરાત તથા ઉતર પશ્ચિમ મધ્યપ્રદેશ સૂર્યપ્રકોપ ચાલુ રહેવાની ચેતવણી આપવામાં આવી છે. દિલ્હી સહિત સમગ્ર ઉતર ભારતમાં પાંચ દિવસનું રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના રીપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી તથા પશ્ચિમ ઉતર પ્રદેશમાં પાંચ દિવસ હિટવેવ અને સીવીયર હિટવેવની પરિસ્થિતિ સર્જાશે અને આ પાંચ દિવસો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે. આ સમયગાળામાં અનેક શહેર અને જિલ્લામાં તાપમાન ૪૭ ડિગ્રી કે તેનાથી પણ વધુ ઉંચે પહોંચવાની સંભાવના છે.