સમગ્ર રાજ્યમાં ગરમીએ કાળો કેર મચાવ્યો છે ત્યારે હાલ તો ગરમીમાં રાહત મળવાની કોઇ જ સંભાવના નથી. ૨૭ મે સુધી મહત્તમ તાપમાન ૪૩ થી ૪૬ ડીગ્રીની રેન્જમાં જ જાેવા મળશે. આ વચ્ચે એક સારા સમાચાર છે. દક્ષિણ પશ્ચિમ (નૈઋત્ય) ચોમાસુ આગળ વધી રહ્યું છે. આગામી બે દિવસ હજુ આગળ વધશે ત્યારે બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર બન્યું છે. આ સિસ્ટમ્સ ઉત્તરોતર મજબૂત બની વાવાઝોડામાં પરીવર્તીત થશે. જાેકે આ વાવાઝોડુ ગુજરાતને અસરકર્તા નથી તેમ એક ખાનગી હવામાન સંસ્થાએ જણાવ્યું છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસું વધુ આગળ ચાલ્યું છે. જે દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક ભાગો માલદીવ કોમોરિન વિસ્તાર, બંગાળની ખાડીના કેટલાક ભાગો, આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વધુ ભાગો તરફ આગળ વધ્યું છે.
આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો, આંદામાન અને નિકોબાર ટાપુઓના બાકીના ભાગો, આંદામાન સમુદ્ર અને પૂર્વ મધ્ય બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.