જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત અને રૂા.૩ કરોડના ખર્ચે નવનિર્મીત બનેલા સ્વિમીંગ પુલમાં કેટલાક તત્વો દ્વારા તોડફાડ કરવાનો બનાવ સામે આવ્યો હતો અને જે અંગેેની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલીક અસરથી પગલા લઈ અને કુલ પાંચની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, મહાનગરપાલિકા સંચાલિત સ્વિમીંગ પુલમાં ઘુંસી નુકસાન કરનાર શખ્સોની એ ડિવીઝન પોલીસે અટક કરી છેે. મહિલા સહિતના ૫ સામે ગુનાહિત પ્રવેશ અને પબ્લીક પ્રોપર્ટિને નુકસાન કરવા અંગે ગુનો દાખલ કરાયો છે. આ અંગે ફરિયાદી અલ્પેશ ચાવડાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ટાઉન હોલ નજીક મહાનગરપાલિકા સંચાલિત સ્વિમીંગ પુલ આવેલો છે. દરમ્યાન ગત રવિવારે બપોરના ૧ વાગ્યા બાદ સ્વિમીંગ પુલમાં મહિલા સહિતના ૫ શખ્સોએ પ્રવેશ કરી તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું.આ અંગે સુપરવાઇઝરે ફોન કરી જણાવ્યું હતું કે, રજા હોવા છતાં ન્હાવા માટે કેટલાક સ્ત્રી, પુરૂષો આવી ગયા છે અને સફાઇ કરવા દેતા નથી. તેમજ તોડફોડ કરી નુકસાન કરી રહ્યા છે.ત્યારે ફી ભર્યા વિના, મંજૂરી લીધા વિના પ્રવેશ કરી ગુનો કર્યો હોય આવા શખ્સો સામે ગુનો નોંધવા જણાવ્યું હતું. બાદમાં પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમ્યાન નિષાર દિનમહમદ બ્લોચ(ઉ.વ. ૨૩, દોલતપરા), ભરત દેવાભાઇ સોલંકી(ઉ.વ. ૩૫, પ્રદીપ સિનેમા પાસે), અક્ષય કનુભાઇ મકવાણા(ઉ.વ.૨૬, પ્રદિપ સિનેમા પાસે), વિશાલ રમેશભાઇ ધાના(ઉ.વ.૩૨,મધુરમ યોગી પાર્ક) અને હિનાબેનભરતભાઇ બગડા(ઉ.વ.૩૨, ગેંડાઅગર રોડ) સામે ફરિયાદ નોંધી મહિલા સહિત ૫ની અટક કરી છે.