જૂનાગઢ શહેરમાંથી એક યુવાનને નકલી એએસઆઈનો પાઠ ભજવતા પોલીસે ઝડપી લીધેલ છે અને તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ યુવાને કોઈ સાથે છેતરપિંડી તો કરી નથી ને તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગત અનુસાર જૂનાગઢમાંથી પોલીસે નકલી એએસઆઇને ઝડપી લઇ તપાસ હાથ ધરી હતી. સી ડિવિઝનના પીએસઆઇ આર.પી. વણઝારાનાં માર્ગદર્શનમાં તેમનો ગુન્હા શોધક શાખાનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન શહેરમાં ગાંધીગ્રામ ખાતે આવેલ સિદ્ધિવિનાયક હોસ્ટેલ પાસે એક શખ્સ પોલીસની વર્દીમાં આંટાફેરા મારે છે અને પોતે પોલીસ ખાતામાં કોઈપણ નોકરી કરતો નથી એવી બાતમી મળતા પોલીસે સિદ્ધિ વિનાયક બોયઝ હોસ્ટેલ પાસે ઘસી જઈ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામનો યુવરાજ રામશીભાઈ જાદવ(ઉ.વ.૨૦) નામના યુવકને ઝડપી લીધો હતો. હાલ સિદ્ધિવિનાયક પીજી હોસ્ટેલમાં રહેતો અને કોલેજમાં અભ્યાસ કરતો યુવરાજ જાદવની પૂછપરછ કરતા તેની પાસે પોલીસ રાજ્યસેવકનો હોદ્દો ન હોય તેમ છતાં ખોટી રીતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એએસઆઈના હોદ્દા ઉપર હોવાનો દેખાવ કરવા પોલીસ યુનિફોર્મ પહેરી અને એએસઆઇ તરીકેનું ખોટું નામ ધારણ કરી રોફ જમાવતો હોવાનું સામે આવ્યું હતું. આથી યુવરાજની ધરપકડ કરી તેના વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન ગીર સોમનાથનાં યુવરાજે પોલીસ વર્દી પહેરી તેણે ગેર પ્રવૃતિ કરી હોય એવું હજુ ધ્યાને આવ્યું નથી આમ છતાં કોઈ સાથે છેતરપિંડી તો નથી કરીને તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું. વિશેષમાં આરોપી યુવરાજે જ્યાંથી યુનિફોર્મ સિવડાવ્યો છે તે દરજીની પૂછપરછ કરવામાં આવશે અને પોલીસ આઈ કાર્ડ ન હોવા છતાં પણ કેવા સંજાેગોમાં યુનિફોર્મ સિવડાવી આપ્યો તે અંગે ટેલરને નોટિસ પણ આપવામાં આવશે. હાલ આરોપી સ્પર્ધાત્મક પરીક્ષા અને પોલીસની તૈયારી કરી રહ્યો હોય રેગ્યુલર રનીંગમાં જાય છે. જુનાગઢમાં ૩ વર્ષથી સ્ટડી કરે છે. ૧૫ દિવસ પહેલા પોલીસ યુનિફોર્મ પહેરી ત્યાં પોતાની તસ્વીરો સોશિયલ મીડિયામાં અપલોડ કરી હતી તેમ ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું. વધુમાં નકલી એએસઆઈ બની રોફ જમાવતા ઝડપાયેલ યુવરાજ જાદવની પોલીસ પૂછપરછમાં ખુલ્યું હતું કે, પોલીસની પરીક્ષા આપી હતી પરંતુ તેમાં નાપાસ થયો હતો. હાલ ફોરેસ્ટની એક્ઝામ આપેલી, પરંતુ તેનું રિઝલ્ટ પેન્ડિંગ છે. આમ કરવાનું મુખ્ય કારણ પોતાને વર્દીનો શોખ હોય, પોલીસ બનવા માંગતો હોય પરીક્ષામાં ફેઇલ થતાં યુનિફોર્મ બનાવી એક મહિનાથી પોલીસ તરીકે ઓળખ આપતો ફરતો હતો. દરમ્યાન પોલીસે તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.