સુરજ સિનેપ્લેક્સ, પેન્ટલુન્સ, બેબીહગ શોરૂમ,આકાશ બાયઝુસ, પાવર જીમને સીલ
રાજકોટના અગ્નિકાંડ બાદ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે જે સ્થળોએ આવા ડોક્યુમેન્ટસ ન હોય ત્યાં સીલ મારી દેવાની કાર્યવાહી કરાઇ રહી છે. દરમ્યાન બુધવારે ૨૦ દુકાનો સહિત કુલ ૨૫ સ્થળોએ સીલ મારી દેવામાં આવ્યા છે. મનપાના કમિશ્નર ડો. ઓમપ્રકાશની સૂચના અને ડીએમસી એ.એસ. ઝાપડાના માર્ગદર્શનમાં મનપાની વિવિધ ટીમો દ્વારા ૨૬ મેથી ચેકીંગ હાથ ધરાઇ રહ્યું છે. ચેકીંગ દરમ્યાન ફાયર એનઓસી, બીયુ સર્ટિફિકેટ ન હોય તો સીલ મારી દેવાય છે. દરમ્યાન લોકોની અવર-જવર રહેતી હોય તેવા મોલ, સિનેમા ગૃહોમાં બુધવારે પણ ટીમ દ્વારા ચેકીંગ કામગીરી કરાઇ હતી. ત્યારે કોલેજ રોડ સ્થિત સુરજ સિનેપ્લેક્સ અને ટીંબાવાડીમાં આવેલ વેસ્ટર્ન સ્ક્વેર બિલ્ડીંગના પેન્ટાલુન્સ શો રૂમ, બેબીહગ શો રૂમ, આકાશ બાયઝુસ અને પાવર જીમમાં ફાયર એનઓસીની મુદ્દત પૂર્ણ થઇ ગઇ હતી અને બીયુ સર્ટિફિકેટ ન હતા. જેથી ફાયર એનઓસી તેમજ બીયુ સર્ટિફિકેટ ન ધરાવતા આ વ્યાવસાયિક સંકુલોને સીલ મારી દેવાયા છે. જ્યારે શહેરના કાળવા ચોક સ્થિત વિશાલ ટાવરમાં ૨૦ દુકાનો જર્જરિત હોવાથી તેને પણ સીલ મારી દેવાયું છે. આમ, બુધવારે કુલ ૨૫ સ્થળોએ મહાનગરપાલિકાએ સીલ મારી દીધા છે.