વિસાવદરનાં જીવાપરા વિસ્તારમાં રહેતા મુકેશભાઈનાં ભત્રીજાના લગ્ન કરાવવાનો વિશ્વાસ અપાવી વિસાવદરના આધેડ સાથે રૂપિયા ૯૫,૫૦૦ની છેતરપિંડી થતાં પોલીસે યુવતી સહિત ૪ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વિસાવદરના જીવાપરા વિસ્તારમાં રહેતા મુકેશભાઈ પાંચાભાઇ રીબડીયાના ભત્રીજા કૌશલનાં લગ્ન માટે નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાના જુના ઘાટા ગામે રહેતા પ્રવીણભાઈ ઉર્ફે સંજયભાઈ પટેલ અને તેની પત્ની શીતલ સાથે સંપર્ક થયો હતો. અને ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના શાંતિપરા ગામની શીતલ રામજીભાઈ વસાવા નામની યુવતી બતાવી હતી. બાદમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ઠેબાર ગામના રમેશભાઈ ઉર્ફે પરબત વસાવા મારફતે લગ્ન કરાવવા વિશ્વાસમાં લઈ સગાઈ કરતી વખતે રૂપિયા ૭૫ હજારની રોકડ તથા રૂપિયા ૨૦,૫૦૦ના કપડા ઘરેણા, મોબાઈલ ફોન આપ્યા હતા. આમ ૯ ડિસેમ્બરથી ૧૪ ડિસેમ્બરના ૫ દિવસમાં કુલ રૂપિયા ૯૫,૫૦૦ની માલમતા આપી હતી. આ પછી પણ ભત્રીજાના લગ્ન નહીં કરાવી આપ્યા હોવાની ફરિયાદ મુકેશભાઈ રીબડીયાએ કરતા વિસાવદર પોલીસે આ ટોળકી વિરૂદ્ધ છેતરપિંડી તથા વિશ્વાસઘાતનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. વધુ તપાસ પીએસઆઇ આર. ડી. રોહિત ચલાવી રહ્યા છે.