જૂનાગઢ શહેરમાં મ્યુ. કમિશ્નર દ્વારા રાતના સમયે અચાનક સરપ્રાઈઝ ચેકિંગમાં નીકળ્યા હતા અને શહેરમાંથી પસાર થતા વોકળાની મુલાકાત લીધી હતી અને અમુક જગ્યાએ વોંકળામાં કચરો નાખતા ૧ર જેટલા વેપારીઓને દંડ ફટકારીને દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ મ્યુ. કમિશ્નર ડો. ઓમ પ્રકાશએ છેલ્લા કેટલાક દિવસોથી ફાયર એનઓસી અને બીયુ સર્ટીફિકેટ લઈને તેમજ જર્જરિત ઈમારતને લઈને કડક કામગીરી શરૂ કરી છે. ત્યારે મ્યુ. કમિશ્નર મોડી રાતે શહેરમાં સરપ્રાઈઝ ચેકિંગમાં નીકળ્યા હતા અને જયાં જયાંથી વોંકળા પસાર થયા છે ત્યાં સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને સેનીટેશન સુપ્રિટેન્ડેડ ટોલીયા, સેનીટેશન સુપરવાઇઝર અને વોર્ડ એસઆઈને કડક કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી. આ સ્થળોમાં જયાં જયાં વોંકળામાં કચરાનો નિકાલ કરતા હોય તેવા રેલ્વે સ્ટેશન ચોક અને દોલતપરા રાજકોટ રોડ ઉપરથી આશરે ૧ર જેટલા વેપારીઓ પાસેથી ૧૬,૬૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીથી વોંકળામાં કચરો ફેંકતા અને રોડ ઉપર ગંદકી ફેલાવનારામાં ફફડાટ વ્યાપી ગયો છે. મનપા દ્વારા યુધ્ધના ધોરણે શહેરના તમામ વોંકળાની સફાઈ ચાલી રહી છે ત્યારે આવા તત્વો શહેરના વોકળા તથા અન્ય સ્થળોએ ગંદકી ફેલાવતા જણાશે એમની સામે કડકમાં કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવનાર છે.