જૂનાગઢ લોકસભાની બેઠક ઉપર યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. જોકે, આ વિજયમાં જૂનાગઢ શહેરના મતદારોનો પણ અહમ હિસ્સો રહ્યો છે. શહેરના કુલ ૧૫ વોર્ડ છે. આ ૧૫ વોર્ડમાંથી ૧૨ વોર્ડમાં ભાજપને લીડ મળી છે. જ્યારે માત્ર ૩ જ વોર્ડમાં કોંગ્રેસને લીડ મળી છે. આમ, ભાજપના ગઢ ગણાતા જૂનાગઢમાં ભાજપની હેટ્રીક થઇ છે.જૂનાગઢ શહેરના ૧૫ વોર્ડમાં થયેલ મતદાન ઉપર નજર કરીએ તો કુલ ૨,૬૦,૧૫૭ મતદારો હતા. તેમાંથી ૧,૪૨,૨૭૧ લોકોએ એટલે કે માત્ર ૫૪.૬૮ ટકા લોકોએ જ મતદાન કર્યું છે. આ ૧,૪૨,૨૭૧માંથી ૧,૩૮,૭૬૬ મતો માત્ર ભાજપ અને કોંગ્રેસ એમ બે જ મુખ્ય પાર્ટીના ઉમેદવારોને મળ્યા છે. બાકીના મત અન્ય ૯ પાર્ટીને ગયા છે, નોટામાં ગયા છે, રિજેક્ટ થયા છે. દરમ્યાન આ ૧,૪૨,૨૭૧માંથી ૮૮,૪૮૨ મત એટલે કે કુલ મતદાનના ૬૨ ટકા મતો ભાજપને મળ્યા છે. જ્યારે કોંગ્રેસને ૫૦,૨૮૪ મત એટલે કે કુલ મતદાનના માત્ર ૩૫.૩૪ ટકા જ મતો મળ્યા છે. એજ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કુલ ૩૧,૫૪૦ મતદારોમાંથી ૧૬,૬૧૨એ એટલે કે માત્ર ૫૨ ટકા લોકોએ જ મતદાન કર્યું હતું. આ ૧૬,૬૧૨માંથી ભાજપ કોંગ્રેસને માત્ર બે જ પાર્ટીને ૧૫,૯૯૫ મત મળ્યા છે. બાકીના મત અન્ય ૯ પાર્ટીને ગયા છે, રિજેક્ટ થયા છે, કે નોટામાં ગયા છે. એમાં પણ કુલ મતદાનના ૫૮.૪૫ ટકા મત ભાજપને અનેે ૩૭.૮૪ ટકા મત કોંગ્રેસને મળ્યા છે. પરિણામે શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાજપને ૩,૪૨૩ મતોની લીડ મળી હતી. આમ,શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મત મળવાના કારણે ભાજપનો જંગી બહુમતિ સાથે ૧,૩૫,૪૯૪ મતોની લીડથી વિજય થયો છે.