હાઈકોર્ટે ફરી એકવાર રાજય સરકારને ખખડાવી: નવા અગ્નીકાંડની રાહ જુઓ છો ?

0

નાના અધિકારીઓ સામે કાર્યવાહી તો કમિશ્નર સામે કેમ નહી ? અગ્નીકાંડમાં કલમ ૩૦ર મુજબ કાર્યવાહી કેમ ન થઈ શકે ? શું ચાલે છે તે અમને ખબર છે: હાઈકોર્ટ

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટનામાં સીટનો પ્રાથમિક રીપોર્ટ રજૂ થઇ ગયો છે ત્યારે આજે હાઇકોર્ટમાં સુનાવણી શરૂ થતા જ વડી અદાલતે ફરી આકરૂ વલણ અપનાવ્યું છે. ઘટના બાદ નાના અધિકારીઓ સામે સસ્પેન્શન અને ધરપકડના પગલા લેવાયા છે ત્યારે મ્યુનિ. કમિશ્નર સામે કેમ કલમ ૩૦ર હેઠળ કાર્યવાહી ન કરાય? જવાબદારો સામે પગલા લેવાના છો કે હજુ આવા અગ્નિકાંડ થાય તેની રાહ જુઓ છો ? તેવો હાઈકોર્ટે સરકારને તીખો સવાલ કર્યો હતો.


આ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોની હત્યા થયાનો રોષ પણ ઠાલવવામાં આવ્યો છે. આ કેસમાં કમિશનર સહિતના જવાબદારો સામે શા માટે કલમ ૩૦૨ હેઠળ કાર્યવાહી કરી સસ્પેન્ડના પગલા લેવાયા નથી તેવો સવાલ બદલી પામેલા આનંદ પટેલના નામ સાથે કરવામાં આવ્યો છે.
હાઈકોર્ટે ચાલુ સુનાવણી દરમ્યાન એવું પણ કહ્યું છે કે ગેમ ઝોન શરૂ થયો તે વખતના કમિશ્નરને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી? તમે રમત રમો છો અને બીજા કર્મચારીઓ પર ઢોળો છો તેવું કહીને સરકારની ટીકા કરી હતી. ૨૦૨૩માં પણ આગ લાગી હતી પરંતુ ઓથોરીટીએ કંઇ કર્યુ નથી. કમિશ્નરની બદલી પુરતી નથી અને બધા બધુ જાણતા હતા.
રાજય સરકારે એવો જવાબ આપ્યો છે કે કમિશનરને પોસ્ટીંગ વગરનું ટ્રાન્સફર આપવામાં આવ્યું છે. સીટના ફાઇનલ રીપોર્ટની રાહ જાેવાઇ રહી છે. આ બાદ પગલા લેવામાં આવશે. સરકારે આનંદ પટેલનું સોગંદનામુ પણ જાેયુ હતું. અદાલતે એવું પણ કહ્યું હતું કે તમામ ઓથોરીટી તમારી હેઠળ આવે છે તો તમે સીનીયર અધિકારીઓને જવાબદાર માનો છો? સમયાંતરે ચેકીંગ કરાયું ન હતું અને હવે ૨૭ લોકોના જીવ ગયા બાદ જુના રેકોર્ડ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે છે. અધિકારીઓ સામે હત્યાનો ચાર્જ કેમ ન લાગે તેવું અરજદારે પૂછયું હતું.
હાઈકોર્ટે કહ્યું કે આદેશોનું પાલન થયું નથી. કોર્પો.ના એડવોકેટ મંજૂરી અને આગના કારણો રજૂ કરતા હતા. ટીઆરપીએ ગેરકાયદે બાંધકામ રેગ્યુલર કરવા અરજી પણ કરી હતી. ગેમ ઝોનની રચના વખતે જે કમિશનર હતા તેમની એફીડેવીટ પણ ચકાસવામાં આવી છે. તા. ૨૬ મેના રોજ આગ લાગી તે બાદ તા.૨૭ના રોજ હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી.
સરકારે કહ્યું કે ગઇકાલે જ ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. ર૪ જુન સુધીમાં અંતિમ રીપોર્ટ માંગવામાં આવ્યો છે. તો અદાલતે કહ્યું હતું કે ત્યાં શું ચાલે છે તે બધી અમને જાણ છે.
રાજકોટ અગ્નિકાંડ મામલે સીટના વચગાળાના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. સીટે ૧૦ મુદ્દાઓને આધારે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સોંપ્યો છે. પોલીસ, કોર્પોરેશન માર્ગ અને મકાન વિભાગની નિષ્કાળજી રહી છે. લાયસન્સ અને તાલુકા પોલીસની નિષ્કાળજીનો પણ સીટના રિપોર્ટમાં ઉલ્લેખ છે.
ખરાઈ કર્યા વગર લાયસન્સ વિભાગ પરફોર્મન્સ લાયસન્સ આપ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયરની ગંભીર બેદરકારી સામે આવી છે અને ૩ વર્ષથી ગેમઝોન ચાલતું હોવા છતાં કોઈ પગલાં ન લેવાયાં હોવાનો ઉલ્લેખ પણ છે.

error: Content is protected !!